લોકસભા ચૂંટણીઃ યુપીમાં સમાજવાદી-તૃણમુલ કોંગ્રેસનું ‘ગઠબંધન’ પાક્કું, નવી યાદી જાહેર
લખનઊઃ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખની જાહેરાત પૂર્વે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ (Congress) પાર્ટીએ પોતાની બે યાદી જાહેર કરી છે, જ્યારે એના પૂર્વે ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીએ સૌથી પહેલા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરીને સૌને ચોંકાવ્યા હતા. જોકે, આજે તેની ઉમેદવારોની નવી યાદી બહાર પાડીને ટીએમસીના ઉમેદવાર માટે જગ્યા ખાલી રાખીને બંને પાર્ટી વચ્ચે ગઠબંધન હોવાના સંકેત આપ્યા છે.
આ યાદીમાં સમાજવાદી પાર્ટીએ છ બેઠક પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે એક બેઠક પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી માટે છોડી છે. એટલે મમતા બેનરજીનું સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન નક્કી થયું છે.
સમાજવાદી પાર્ટીએ પોતાની ભદોહી સીટ ટીએમસી માટે ખાલી રાખી છે, જ્યારે તેની સાથે સમાજવાદી પાર્ટીએ નગીના બેઠક પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીએ પોતાની ચોથી યાદીમાં બિજનૌરથી યશવીર સિંહ, નગીનાથી મનોજ કુમાર, મેરઠથી ભાનુ પ્રતાપ સિંહ, અલીગઢ પૂર્વથી સાંસદ બિજેન્દ્ર સિંહ, હાથરસથી જસવીર વાલ્મિકી, લાલગંજથી દરોગા સરોજને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. એની સાથે સમાજવાદી પાર્ટીએ ભદોહીની બેઠક તૃણમુલ કોંગ્રેસ માટે સીટ બાકી રાખી છે.
અહીં એ જણાવવાનું કે આ અગાઉ સમાજવાદી પાર્ટીએ તેની ત્રીજી યાદીમાં પોતાના કદાવર નેતા અને વિધાનસભ્ય શિવપાલ યાદવને બદાયુ લોકસભાની બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા. એની સાથે અખિલેશ યાદવે કૈરાના બેઠક પરથી ઈકરા હસનને ઉમેદવાર જાહેર કર્યા હતા.