જાતિ આધારિત વસતિગણતરી કરાવવાનું સમાજવાદી પક્ષનું વચન
લખનઊ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા બુધવારે લોકસભાની ચૂંટણી માટેનો પક્ષનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં 2025 સુધીમાં જાતિ આધારિત વસતિ ગણતરી, એમએસપી (ટેકાના ભાવ) માટેની કાનૂની ગેરેન્ટી અને અગ્નિપથ યોજનાને રદ કરવાનો સમાવેશ થાય છે.
જનતા કા માંગ પત્ર, હમારા અધિકારના નામ હેઠળ જાહેર કરવામાં આવેલા 20 પાનાના ચૂંટણી ઢંઢેરામાં આ વખતે પીડીએ સરકાર બનાવવાની હાકલ કરવામાં આવી છે. પીડીએમાં પીછડે (પછાત વર્ગો), દલિત અને અલ્પસંખ્યાક (માઈનોરિટી) સમાજ ને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને આ ફોર્મ્યુલા અખિલેશ યાદવ દ્વારા ઘડી કાઢવામાં આવી છે.
અખિલેશ યાદવે કહ્યું હતું કે જાતિ આધારિત વસતિ ગણતરી ઈન્ડિયા ગઠબંધનની સરકાર બન્યા બાદ હાથ ધરવામાં આવશે અને શિડ્યુલ કાસ્ટ (અનુસૂચિત જાતી), શિડ્યુલ ટ્રાઈબ્સ (અનુસૂચિત જનજાતિ) અને પછાત વર્ગોના સરકારમાં રિક્ત પદો પર ભરતી કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે લશ્કરની અગ્નિપથ ભરતી યોજનાને રદ કરવામાં આવશે. નિયમિત ભરતી લશ્કરમાં ચાલુ કરવામાં આવશે. તેમણે જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવાનો, સમાજના બધા જ વર્ગોને સહભાગી કરવાનો અને 2029 સુધીમાં ગરીબી નાબુદ કરવાના વચન આપ્યા હતા. (પીટીઆઈ)