સીતાપુરથી છૂટયા ત્યાં રામપુરમાં ફસાયા સમાજવાદી પાર્ટીના નેતા! ફાયર NOC નો ડ્રામા અને ભેંસની લૂંટનો છે કેસ

લખનઉ: સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન સીતાપુર જેલમાંથી મુક્ત થયાના લગભગ એક મહિના પછી કાયદાકીય મુશ્કેલીઓમાં ફરી ઘેરાયા છે. રામપુરની MP-MLA કોર્ટે તેમના અને તેમનાં પત્ની સહિતના અન્ય આરોપીઓ વિરુદ્ધ બે ગંભીર અને જૂના કેસોમાં કાર્યવાહી આગળ વધારીને આરોપો નક્કી કર્યા છે. આ બે કેસોમાં રામપુર પબ્લિક સ્કૂલ (RPS) સાથે જોડાયેલ છેતરપિંડીનો કેસ અને યતીમખાના પ્રકરણનો સમાવેશ થાય છે, જેમાં ખાન દંપતી કોર્ટમાં હાજર થયું હતું.
રામપુર પબ્લિક સ્કૂલને લગતો છેતરપિંડીનો આ કેસ વર્ષ ૨૦૨૦ માં બેઝિક શિક્ષણ વિભાગની ફરિયાદ પર નોંધાયો હતો. કોર્ટે આઝમ ખાન, તેમનાં પત્ની તંઝીન ફાતિમા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી ઓફિસના એક બાબુ પર આરોપ નક્કી કર્યા છે. આરોપ મુજબ, આઝમ ખાનના મૌલાના મુહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ દ્વારા સંચાલિત RPS ની માન્યતા મેળવવા માટે ફરજી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને બીજા સ્કૂલની ફાયર NOCનો ગેરકાયદેસર ઉપયોગ સામેલ છે. કોર્ટે આ મામલે છેતરપિંડી, જાલસાજી અને ગુનાહિત ષડયંત્ર જેવા ગંભીર આરોપો ઘડ્યા છે.
આ સિવાય, આઝમ ખાન અન્ય એક જૂના અને વિવાદાસ્પદ કેસ, યતીમખાના પ્રકરણ માં પણ કોર્ટમાં હાજર થયા હતા. આ ઘટના ૧૫ ઓક્ટોબર, ૨૦૧૬ ની છે, જેમાં રામપુરની વકફ સંપત્તિ નંબર ૧૫૭ પર કથિત રીતે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ફરિયાદીઓએ આઝમ ખાનના ઇશારે ભેંસ, બકરી સહિત અન્ય સામાનની લૂંટપાટ અને સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ પ્રકરણમાં શરૂઆતમાં ૧૨ FIR નોંધાઈ હતી, જે પાછળથી એકસાથે જોડી દેવામાં આવી હતી.
આઝમ ખાનના વકીલ જુબૈર અહેમદે મીડિયાને માહિતી આપી કે RPS કેસની આગામી સુનાવણી ૧૦ નવેમ્બરના રોજ અને યતીમખાના પ્રકરણની આગામી સુનાવણી ૭ નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે. વકીલે જણાવ્યું કે બચાવ પક્ષ કોર્ટમાં તમામ પુરાવાઓનું મજબૂત રીતે ખંડન કરશે. આમ, એક તરફ જેલમુક્તિની રાહત વચ્ચે, જુદા જુદા જૂના કેસોમાં આરોપો નક્કી થતાં આઝમ ખાન માટે કાયદાકીય પડકારો હજી ચાલુ રહેશે.
આપણ વાંચો: NIA કરશે મોટો ખુલાસો? પહેલગામ હુમલાની ચાર્જશીટ તૈયાર, પાકિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ થશે



