સંભલમાં હિંસા બાદ કર્ફ્યૂ જેવી હાલત, 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ…

લખનઉઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં રવિવારે શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન ભડકેલી હિંસાથી સમગ્ર શહેરમાં તણાવનો માહોલ છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ જેવી હાલત છે. તંત્ર દ્વારા સ્થિતિ નિયંત્રણમાં લાવવા કડક પગલાં લેવામાં આવ્યા છે. ડીઆઈજી મુનિરાજના નેતૃત્વમાં પોલીસે હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. શહેરના તમામ મુખ્ય ચોકમાં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધી 25 લોકોની ધરપકડ કરી છે. જેમાં બે મહિલા પણ સામેલ છે. ઉપરાંત આ વિસ્તારમાં બહારના લોકોના આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પણ આવતીકાલ સુધી બંધ રહેશે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરઃ વૈષ્ણોદેવી રોપ વે પ્રોજેક્ટનો વિરોધ, કટરામાં પોલીસ પર હુમલો…
સંભલ જિલ્લામાં હિંસા મામલે બે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા છે. સંભલમાં સમાજવાદી પાર્ટીના સાંસદ જિયાઉર્રહમાન બર્ક પર પણ કેસ નોંધાયો છે, સાંસદ ઉપરાંત ધારાસભ્ય ઈકબાલ મહમૂદના પુત્ર પર પણ કેસ નોંધાયો છે. બંને પર હિસા ભડકાવવાનો આરોપ લાગ્યો છે. ઉપરાંત અન્ય 2500 લોકો સામે પણ કેસ નોંધાયો છે.
સંભલમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પોલીસ જ
સંભલ શહેરમાં હાલ કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત છે. પોલીસ અધિકારીઓ સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે. લોકોને અફવા પર ધ્યાન ન આપવા અને સંયમ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે. હિંસા બાદ શહેરમાં બજારો અને દુકાનો બંધ છે. પ્રભાવિત વિસ્તારોમાં મોટા ભાગના ઘરોની બહાર તાળા લાગેલા છે. ગલી-મહોલ્લામાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પોલીસ જ જોવા મળે છે. ઈન્ટરનેટ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ લંબાવવામાં પણ આ શકે છે.
1 ડિસેમ્બર સુધી બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ
ડીએમ રાજેન્દ્ર પૈંસિયાએ 1 ડિસેમ્બર સુધી જિલ્લામાં બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ જણાવ્યું કે, હિંસામાં સામેલ આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંતર્ગત કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો : યુપીના સંભલમાં હિંસા મુદ્દે ઓવૈસીથી લઈને અખિલેશ યાદવે આપી પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું?
સંભલમાં જામા મસ્જિદને હરિહર મંદિર બતાવતી દાખલ થયેલી અરજીના આધાર પર સર્વે માટે ટીમ પહોંચી ત્યારે બબાલ થઈ હતી. ભીડે મસ્જિદમાં ઘૂસવાની કોશિશ કરી હતી. રોકવા પર પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. હિંસક ભીડે સીઓની કાર સહિત અનેક વાહનોમાં તોડફોડ કરીને આગ લગાવી હતી. આ દરમિયાન ફાયરિંગ પણ શરૂ થઈ ગયું હતું. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસ અને લાઠીચાર્જ કર્યો હતો. બબાલ દરમિયાન પાંચ લોકોના મૃત્યુ થયા હતા. સીઓ અનુજ ચૌધરી અને એસપીના પીઆરઓને પણ ગોળી વાગી હતી. એસપી સહિત કુલ 22 પોલીસકર્મી ઘાયલ થયા હતા.