સેમ ઓલ્ટમેનની openAI CEO તરીકે ઘરવાપસી, જાણો સત્ય નાડેલાએ શું કહ્યું?
પોતાની જ કંપની openAIમાંથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા હકાલપટ્ટી પામ્યા બાદ સેમ ઓલ્ટમેન હવે માઇક્રોસોફ્ટમાં જોડાવાના છે તેવા સમાચાર આવ્યા હતા. ઉપરાંત માઇક્રોસોફ્ટના CEO સત્ય નાડેલાએ આ વાતની પુષ્ટિ કરતી પોસ્ટ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી, અને હવે સેમ ઓલ્ટમેને X પોસ્ટ મુકીને જાહેરાત કરી છે કે તે openAIમાં પાછો ફરવા માગે છે.
સેમ ઓલ્ટમેને તેની પોસ્ટમાં લખ્યું હતું કે, “હું openAI અને તેના માટે openAIની ટીમ અને મિશનને જોડાયેલું રાખવા માટે જે કંઇપણ પાછલા દિવસોમાં કર્યું છે, તે મને ગમે છે. જ્યારે મેં રવિવારે માઇક્રોસોફ્ટમાં જોડાવાનો નિર્ણય લીધો હતો તે સમયે હું સ્પષ્ટ હતો કે એ રસ્તો મારા માટે શ્રેષ્ઠ છે. બોર્ડના નવા સભ્યો અને સત્યાના સહકાર સાથે હું openAIમાં પાછા ફરવાની અને માઇક્રોસોફ્ટ સાથે મજબૂત ભાગીદારીના ઘડતરની રાહ જોઇ રહ્યો છું.”
આ અંગે માઇક્રોસોફ્ટના CEO સત્યા નાડેલાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું હતું કે તેઓ openAIમાં આવી રહેલા ફેરફારોથી ઉત્સાહિત છે અને એક સ્થિર અને પ્રભાવી નેતૃત્વની દિશામાં આ પ્રથમ ડગલું છે. સેમ, ગ્રેગ અને મેં આ મુદ્દે ચર્ચા કરી છે અને અમે સંમત થયા છીએ કે આ એક મહત્વપૂર્ણ ભૂમિકા છે.
openAIના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા એક ચોંકાવનારા નિર્ણયમાં સેમ ઓલ્ટમેનને એક ગુગલ મીટ કોલ પર જ પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું, એ પછી તેમના સાથીદાર ગ્રેગ બોકમેનને પણ બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
સેમ ઓલ્ટમેનને કાઢી મુકાયા બાદ તરત માઇક્રોસોફ્ટના CEO સત્યા નાડેલા દ્વારા તેમને માઇક્રોસોફ્ટ માટે કામ કરવાની ઓફર કરાઇ હતી. માઇક્રોસોફ્ટ openAI કંપનીનું સૌથી મોટું ઇન્વેસ્ટર છે, તેણે openAIમાં લગભગ 13 બિલીયન ડોલર જેટલું રોકાણ કર્યું છે. જો કે રોયટર્સના એક અહેવાલ મુજબ openAIના કેટલાક કર્મચારીઓએ કંપનીના બોર્ડના સભ્યો રાજીનામું ન આપે તો તેઓ માઇક્રોસોફ્ટના નવા ડિવીઝનમાં સામેલ થઇ જશે તેવી ધમકી આપી હતી.