નેશનલ

‘દબદબો’ દબાઇ દેવાયો! કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવા મુદ્દે સાક્ષી મલિકે શું નિવેદન આપ્યું?

નવી દિલ્હી: કેન્દ્રીય રમતગમત મંત્રાલયે આજે એક મોટો નિર્ણય લેતા ભારતીય કુસ્તી મહાસંઘના નવનિયુક્ત સભ્યોની માન્યતા રદ કરી દીધી છે, એટલે કે આખેઆખું કુસ્તી સંઘ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. સાક્ષી મલિકે આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પહેલવાનોની ભલાઇ માટે આ નિર્ણય લેવાયો છે.

ભારતીય કુસ્તી મહાસંઘ એટલે કે WFIના નવનિયુક્ત અધ્યક્ષ સંજય સિંહ ભાજપના સાંસદ અને WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહના નજીકના માનવામાં આવે છે. સંજય સિંહ જેવા WFI ના પ્રમુખ તરીકે ચૂંટાયા કે તરત જ તેઓ બ્રિજભૂષણ સિંહને મળ્યા. બંનેની તસવીરો પણ સામે આવી હતી, જેમાં બ્રિજભૂષણ વિક્ટરી સાઇન બતાવતા જોવા મળ્યા હતા. કુસ્તીના ખેલાડીઓએ સંજય સિંહની પસંદગી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બ્રિજભૂષણ સિંહની નજીકની વ્યક્તિની ચૂંટણી થવાથી કુસ્તી મહાસંઘમાં કોઈ ફેરફાર થશે નહીં.


ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે કહ્યું, ‘જે થયું છે તે આ કુસ્તીબાજોની ભલાઇ માટે થયું છે. અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આ બહેન-દીકરીઓની લડાઈ છે. આ પ્રથમ પગલું છે. હું તેને સમર્થન આપું છું. અમે તો મહિલા અધ્યક્ષની માંગ કરી રહ્યા છીએ, જેથી છોકરીઓ સુરક્ષિત રહે. જ્યારે સાક્ષીને પૂછવામાં આવ્યું કે સંજય સિંહ સરકારના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં પણ જઈ શકે છે, ત્યારે તેણે જવાબ આપતા કહ્યું હતું કે મેં હજી સુધી રિપોર્ટ જોયો નથી અને હું મારી ટીમ સાથે વાત કર્યા પછી જ તેના પર ટિપ્પણી કરીશ.

જ્યારે સાક્ષીને પૂછવામાં આવ્યું કે તે સરકારના આ નિર્ણયને કેવી રીતે જુએ છે, તો તેણે જવાબમાં કહ્યું કે, આ લડાઈ બહેનો અને દીકરીઓ માટે છે. આ ફાઈટ મહિલા કુસ્તીબાજો માટે હતી. હું સરકારને વિનંતી કરીશ કે અમારી રજૂઆતોને સમજે અને અમે જે કારણો માટે લડી રહ્યા છીએ તે ધ્યાનમાં લે. નિવૃત્તિના નિર્ણય પર સાક્ષીએ કહ્યું કે જે ફેડરેશનની રચના કરવામાં આવશે તે મુજબ તે નિર્ણય વિશે જણાવશે.

સરકારના નિર્ણય બાદ ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ તરત જ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. આ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે સંજય સિંહ મારા સંબંધી નથી. કુસ્તી મહાસંઘ અંગે જે પણ નિર્ણય લેવાનો હશે તે ચૂંટાયેલા લોકો દ્વારા લેવામાં આવશે. તમામની સંમતિથી નિર્ણય લેવામાં આવશે. તેણે કહ્યું કે મારે હવે WFI સાથે કોઈ લેવાદેવા નથી. મેં 12 વર્ષ સુધી કુસ્તી સંઘમાં કામ કર્યું છે, હવે મારો એ નાતો સમાપ્ત થઈ ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button