‘મા મેં જે કંઇ કર્યું એ યોગ્ય કર્યુ છે…’ સંસદમાં ઘૂસણખોરી કરનારા સાગર શર્માએ પરિવાર સાથે વીડિયો કોલ પર કરી વાત
લખનૌ: સંસદની સુરક્ષામાં ગાબડું પાડનાર આરોપી લખનૌના સાગર શર્માની પૂછપરછ ચાલી રહી છે. કહેવાઇ રહ્યું છે કે હાલમાં જ દિલ્હીથી પહોંચેલી સ્પેશિયલ સેલની ટીમે વીડિયો કોલ પર સાગર શર્માની તેના પરિવાર સાથે વાત કરવી હતી. આ વાતચીત લગભગ 40 મિનિટ સુધી ચાલી, વીડિયો કોલ પર સાગરે તેના પરિવારજનોને કહ્યું કે, તેણે જે કર્યું છે એ યોગ્ય છે. આ ઉપરાંત તેણે પરિવાર સાથે ઘણી વાતો કરી હતી.
વીડિયો કોલ પર સાગરે કહ્યું કે, મા ઘરે બધુ ઠીક છે ને, કોઇ તકલીફ તો નથી ને? જેના જવાબમાં તેની માતાએ કહ્યું કે, બેટા તે આ શું કર્યું? સાગરે જવાબ આપતાં કહ્યું કે, માં મેં જે કર્યું એ યોગ્ય જ કર્યું છે. મેં કોઇના કહેવા પર કંઇ નથી કર્યું. તપાસ બાદ હું જલ્દી છૂટી જઇશ. તેણે વધુમાં કહ્યું કે, માં તારી અને માહી (બહેન)ની કાળજી લેજે.
માતા સાથેની વાતચીતમાં સાગરે તેના લખનૌના ઘર અને અન્ય કેટલાંક સ્થળોએ મૂકેલા મહત્વના દસ્તાવેજોની જાણકારી પણ આપી હતી. જેને પોલીસ પોતાની સાથે લઇને ગઇ છે. દિલ્હીથી આવેલી સ્પેશિયલ સેલની ટીમને સાગરના રુમમાંથી બેન્ક ખાતાની 4 પાસબૂક મળી હતી. જેના ટ્રાન્ઝેકશનની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ખાતાઓમાં ક્યારે અને ક્યાં પૈસાની લેવડ-દેવડ થઇ છે તેની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સારગના રુમમાં પોકેટ ડાયરી, પુસ્તકો, ફાઇલ, ટિકીટ વગેરે મળ્યા હતાં. જેના પર સાગરના પિતાની સહી કરાવી તે જપ્ત કરવામાં આવ્યા છે. ઇન્વેસ્ટીગેશન કમીટીએ સાગરના માતા-પિતા અને બહેનને સાથે બેસાડીને પૂછપરછ કરી છે. અગાઉ યુપી એટીએસે પણ સાગરના પરિવારની પૂછપરછ કરી હતી.
આ અંગે મળતી વધુ વિગતો મુજબ એટીએસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે સાગરના ઘરે પહોંચી તપાસ હાથ ધરી હતી. સાગરને બેટરી રિક્ષા આપવાવાળા નનકે અને તેના દિકરા હિમાંશુની પણ પૂછપરછ થઇ હતી. આ તપાસમાં જાણ થઇ હતી કે સાગરે બેન્કોનો સંપર્ક કર્યો હતો. એ ફંડ ભેગુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કારણ કે તે પોતાની નવી ઇ-રિક્ષા લેવા માંગતો હતો.
નનકેએ કહ્યું હતું કે સાગર રોજ સવારે 9 વાગે રિક્ષા લઇ જતો અને રાતે પાછો લાવતો. એ નનકેને રોજના 500 રુપિયા ભાડું ચૂકવતો. એને બેન્કમાંથી ફોન પણ આવ્યો હતો. સાગરે કહ્યું હતું કે તેને પૈસાની ખૂબ જરુર છે. તેથી તેને લોન લેવી છે. તેણ કહ્યું હતું કે તે લોનના બધા જ રુપિયા જલદી ચૂકવી દેશે કારણે કે તેનો સમય બદલવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે દિલ્હીના નંબર પ્લેટવાળી ગાડીમાંથી ટીમ સાગરના લખનૌના ઘરે પહોંચી હતી. આ ટીમમાં છ સભ્યો હતાં. બધા જ સિવીલ ડ્રેસમાં હતાં. ઘરમાં બેઠેલાં અન્ય લોકોને બહાર કાઢી બંધ રુમમાં સાગરના માતા-પિતા અને બહેનની લગભગ 40 મિનિટ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દરમીયાન સાગરના માતા-પિતા અને બહેનની સાગર સાથે વીડિયો કોલ પર વાત કરાવવામાં આવી હતી.