મહાકુંભમાં ગુજરાતના સાધ્વી ગીતા હરી બન્યાં પહેલા મહિલા મહામંડલેશ્વર

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ યોજાઇ રહ્યો છે. દેશ-વિદેશથી લાખો ભક્તો સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાતના સાધ્વી ગીતા હરીને પ્રથમ મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે.
પંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા બાદ સાધ્વી ગીતા હરીએ ખુશી વ્યક્ત કરી હતી. સાધ્વી ગીતા હરી મૂળ ગુજરાતના છે. શ્રી પંચાયત નિર્મલ અખાડા દ્વારા તેમને મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું છે.
પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા બાદ તેમણે કહ્યું હતું કે આ અખાડામાં પહેલાં કોઈ મહામંડલેશ્વર મહિલા સંત નહોતા, હું પ્રથમ મહિલા મહામંડલેશ્વર બની છું. શ્રી પંચાયત નિર્મલ અખાડા દ્વારા આ મહામંડલેશ્વરનું પદ આપ્યું છે, તેના માટે સૌ સંતોનો આભાર વ્યક્ત કરું છું. મારા ગુરુજી જગતગુરુ અવિચલ દેવચાર્યજી મહારાજની કૃપા અને અખાડાના મહંત જ્ઞાનદેવસિંહજી મહારાજના આશીર્વાદથી આ બધું શક્ય બન્યું છે.
આ પણ વાંચો : ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરોમાં ફફડાટ
વધુમાં સાધ્વી ગીતા હરીએ કહ્યું હતું કે મહામંડલેશ્વર બન્યા પછી મારી ભૂમિકા ઘણી બદલાઈ જશે. અખાડામાંથી મને જે પણ આદેશ મળશે તે પ્રમાણે દેશના હિત સાથે માનવ કલ્યાણ માટે કાર્ય કરીશ.