કર્ણાટકના ભૂતપૂર્વ સીએમે કરી ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત
બેંગલૂરુઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન ડીવી સદાનંદ ગૌડાએ બુધવારે ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત દિલ્હીથી બેંગલુરુ પરત ફર્યા બાદ કરવામાં આવી છે. તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળી શક્યા ન હતા. હાસનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં કોઈ ચૂંટણી લડશે નહીં.
પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડીવી સદાનંદ ગૌડા હાલમાં બેંગ્લોર નોર્થથી લોકસભાના સભ્ય છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમની આ જાહેરાતને મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ગૌડાએ રાજ્ય એકમના અધ્યક્ષની નિમણૂકમાં વિલંબ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, ભાજપના નેતાએ છેલ્લા ત્રણ દાયકાથી પ્રતિષ્ઠિત હોદ્દા પર સેવા કરવાની તક આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો હતો. તેમણે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીમાં પાર્ટીએ મને બધું જ આપ્યું છે, મેં 10 વર્ષ વિધાનસભ્ય, 20 વર્ષ સાંસદ, એક વર્ષ મુખ્ય પ્રધાન અને 4 વર્ષ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપી છે.”
ગૌડાની રાજકીય કારકિર્દીની સૌથી મોટી ક્ષણ એ હતી જ્યારે પાર્ટીએ તેમને 2011 માં કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા જ્યારે બીએસ યેદિયુરપ્પાને તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોને કારણે મુખ્ય પ્રધાન પદ છોડવાનું કહેવામાં આવ્યું હતું. 2014માં તેમને થોડા સમય માટે કેન્દ્રીય રેલવે પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા. બાદમાં, તેમણે કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન અને પછી કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ પ્રધાન તરીકે સેવા આપી હતી.