નેશનલ

સચિન પાયલટે ચૂંટણીની એફિડેવિટમાં પોતાને ડિવોર્સી જાહેર કર્યો, 5 વર્ષમાં બમણી થઇ સંપત્તિ

આપણા દેશમાં આ 3 વિષયો કાયમ ચર્ચાનું કેન્દ્ર હોય છે, ક્રિકેટ, ફિલ્મો અને રાજકારણ. અને આ ત્રણેય ક્ષેત્રોમાં સૌથી કોમન બાબતો છે લગ્ન અને છૂટાછેડા. આમ તો કોઇપણ વ્યક્તિ માટે આ બાબતો ઘણી અંગત છે પણ આ ક્ષેત્રો સાથે સંકળાયેલા કોઇપણ સેલિબ્રિટી કે પબ્લિક ફિગરના લગ્ન અથવા છૂટાછેડાની વાત જાહેરમાં આવે તો તેમાં દરેકને રસ પડે છે.

દેશના 5 રાજ્યોમાં હાલ ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને એ દરેક રાજ્યમાં ચૂંટણીને પગલે નાનામોટી ઘટનાઓ સામે આવી રહી છે. આ બધાની વચ્ચે રાજસ્થાનથી આવેલા એક સમાચારે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ટોંકથી સાંસદ સચિન પાયલટે તેમના પત્નીથી છૂટાછેડા લઇ લીધા હોવાનું તેમની ચૂંટણી એફિડેવિટ પરથી જાહેર થયું છે. સચિનની પત્ની સારા જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુખ અબ્દુલ્લાહના પુત્રી છે. બંનેના લગ્ન 19 વર્ષ પહેલા થયા હતા અને આ લવ મેરેજ હતા. બંનેને આરન અને વિહાન 2 પુત્રો પણ છે.

છૂટાછેડાનું કારણ તેમજ ક્યારે બંનેએ આ નિર્ણય લીધો એ વાત તો હજુ સુધી બહાર નથી આવી, છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હોવાની વાત મીડિયામાં બહાર આવી નથી. આજે ટોંક વિધાનસભા માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે સચિન પાયલટે સોગંદનામામાં લગ્નની વિગતો અંગેના જવાબમાં ‘ડિવોર્સી’ તેમ લખતા આ વાતનો ઘટસ્ફોટ થયો હતો. આ પહેલાની વર્ષ 2018ની ચૂંટણીની એફિડેવિટમાં તેમણે સારાનું નામ અને વિગતો લખી હતી. પરંતુ આ વખતે તેમણે ‘ડિવોર્સી’ લખ્યું હતું. ડિવોર્સ સિવાય સંપત્તિની માહિતીમાં પણ તેમણે વધારો થયાનો ઉલ્લેખ કર્યો હતો. વર્ષ 2018માં તેમણે સંપત્તિ 3.8 કરોડ રૂપિયા લખી હતી અને વર્ષ 2023માં તે આંકડો વધીને 7.5 કરોડ થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button