Sabarimala Temple : સબરીમાલાના તીર્થયાત્રીઓ માટે સારા સમાચાર, હવે કેબિન બેગેજમાં આ વસ્તુ લઇ જઇ શકશે
નવી દિલ્હી : કેરળના સબરીમાલા મંદિરની(Sabarimala Temple) મુલાકાત લેતા તીર્થયાત્રીઓ માટે એક સારા સમાચાર છે. જેમાં 20 જાન્યુઆરી 2025 સુધી ફ્લાઇટમાં તેમના કેબિન સામાનમાં નારિયેળ લઈ જઈ શકશે. એવિએશન સેફ્ટી મોનિટરિંગ બોડી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)એ મર્યાદિત સમયગાળા માટે તેની પરવાનગી આપી છે. મીડિયા અહેવાલ મુજબ, વર્તમાન નિયમો હેઠળ નાળિયેરને કેબિન સામાનમાં લઈ જવાની મંજૂરી નથી કારણ કે તે જ્વલનશીલ છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી.
તપાસ પછી જ નાળિયેર લઈ શકાય
સમાચાર અનુસાર, અહીં એક વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે જરૂરી એક્સ-રે, ETD (એક્સપ્લોઝિવ ટ્રેસ ડિટેક્ટર) અને શારીરિક તપાસ પછી જ નાળિયેરને કેબિનમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. સબરીમાલા ખાતે ભગવાન અયપ્પા મંદિર નવેમ્બરના મધ્યમાં બે મહિનાની લાંબી તીર્થયાત્રાની મોસમ માટે ખુલશે અને તીર્થયાત્રાની મોસમ જાન્યુઆરીના અંત સુધી ચાલુ રહેશે. દર વર્ષે લાખો ભક્તો પહાડી મંદિરની મુલાકાતે આવે છે અને તેમાંના મોટા ભાગના તેમની સાથે ‘ઇરુમુડી કેટ્ટુ’ (ભગવાનને ચઢાવવામાં આવતા ઘીથી ભરેલા નારિયેળ સહિત) લઈને જાય છે.
આ પણ વાંચો…..Cyclone Dana : ચક્રવાત ‘દાના’ની અસર સમાપ્ત, કેરળમાં ભારે વરસાદની આગાહી
‘ઈરુમુડી કેટ્ટુ’ આ રીતે તૈયાર થાય છે
સામાન્ય રીતે, સબરીમાલાની તીર્થયાત્રા કરનારા લોકો ‘કેટ્ટુનિરાકલ’ વિધિના ભાગરૂપે ‘ઇરુમુડી કેટ્ટુ’ તૈયાર કરે છે અને પેક કરે છે. ધાર્મિક વિધિ દરમિયાન નાળિયેરની અંદર ઘી ભરવામાં આવે છે. જે પછી અન્ય પ્રસાદની સાથે એક થેલીમાં મૂકવામાં આવે છે. થેલીમાં યાત્રા દરમિયાન વિવિધ પવિત્ર સ્થળોએ તોડવા માટેના કેટલાક સાદા નારિયેળ પણ હોય છે. મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે ફક્ત તીર્થયાત્રીઓને જ ‘ઈરુમુડી કેટ્ટુ’ તેમના માથા પર લઈને 18 પવિત્ર પગથિયાં ચડવાની મંજૂરી છે. જેઓ તેને લઈ જતા નથી તેઓએ ગર્ભગૃહ સુધી પહોંચવા માટે અલગ માર્ગ અપનાવવો પડે છે.