
નવી દિલ્હી : કેરળના સબરીમાલાના સોનાની ચોરીની તપાસ ચાલુ છે. જેના પગલે ઈડીએ આ ચોરી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં અભિનેતા જયરામને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. એજન્સી આ કેસના મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટ્ટીને પણ સમન્સ પાઠવવાની તૈયારી કરી રહી છે. જેમને તાજેતરમાં જ કોલ્લમ કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા છે. કેરળ પોલીસની એસઆઈટી પણ આ કેસની તપાસ કરી રહી છે.
અભિનેતા અને પોટ્ટીનો એકસાથે પૂજા કરતો એક વીડિયો પ્ર્કાશમાં આવ્યો
આ કેસની તપાસ અંગે ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે અભિનેતા જયરામને સબરીમાલા કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેઓ આગામી થોડા દિવસોમાં એજન્સી સમક્ષ હાજર થશે. કેરળ પોલીસની એસઆઈટીએ થોડા સમય પહેલા ચેન્નાઈમાં જયરામની પણ પૂછપરછ કરી હતી. અભિનેતા અને પોટ્ટીનો એકસાથે પૂજા કરતો એક વીડિયો પ્ર્કાશમાં આવ્યો હતો, જેના કારણે પૂછપરછ શરૂ થઈ હતી. અભિનેતાએ અગાઉ કોઈપણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે મંદિરની સોનાનો ઢોળ ચઢાયેલી મૂર્તિઓ પર ફરીથી પ્લેટિંગ કરનારી કંપની અથવા તેમના સ્પોન્સર સાથે તેનો કોઈ સંબંધ નથી.
આ પણ વાંચો…સબરીમાલા સોનાની ચોરી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય પૂજારીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
સોનાનો ઢોળ ચઢાવવામાં ગેરરીતી આચરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, કેરળ હાઈકોર્ટે સબરીમાલા સોનું ગાયબ થવાના મામલે સુઓ મોટો અરજી દાખલ કરી હતી. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે મૂર્તિઓ પર સોનાનો ઢોળ ચઢાવવામાં ગેરરીતી આચરવામાં આવી હતી. તેમજ તે નાણાનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગે કોર્ટે નોંધ્યું હતું કે ઉન્નીકૃષ્ણન પોટ્ટીએ 2019 માં તેમના લગ્ન માટે બાકી રહેલા સોનાનો ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટે આ મામલે એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે શોધી કાઢ્યું કે નવીનીકરણ પછી પરત કરાયેલી વસ્તુઓનું વજન ફક્ત 38.258 કિલો હતું. આનો અર્થ એ થયો કે 4.541 કિલોગ્રામનો ઘટાડો થયો હતો.



