
નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થામાં બેંકિંગ સેક્ટર ખૂબ મહત્વનું પાસું છે ત્યારે મોદી સરકારે પહેલી ટર્મમાં જ તમામ ભારતીયોના બેંકમાં ખાતા હોય તે આશયથી જનધન યોજના શરૂ કરી હતી.
પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીઓ છે, કેટલા ખાતા ખોલવામાં આવ્યા છે અને કેટલી રકમ જમા કરવામાં આવી છે તે અંગે ચાલુ સંસદના સત્રમાં નાણા મંત્રાલયે તમામ બાબતોનો હિસાબ આપ્યો છે. નાણા રાજ્ય પ્રધાન ભગવત કરાડે સંસદમાં માહિતી આપી છે કે પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 51.04 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. 9 વર્ષ પહેલા શરૂ થયેલી આ યોજના હેઠળ, અત્યાર સુધીમાં PMJDY યોજનાના 51 કરોડ બેંક ખાતાઓમાં 2.08 ટ્રિલિયન (રૂ. 2 લાખ કરોડથી વધુ)ની રકમ જમા કરવામાં આવી છે. નાણા રાજ્ય પ્રધાનએ સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ ડેટા 29 નવેમ્બર, 2023 સુધીનો છે અને જન-ધન ખાતાઓમાં 2,08,855 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.
જે પણ કોઈ પુખ્ત અને પાત્ર હોય તેમના ખાતા ખૂલે અને તેઓ અથર્વ્યવસ્થાનો ભાગ બને તેમ જ સબ્સિડી અને યોજનાઓના લાભ તેમને મળે તે માટે આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ યોજના વિશે વિશેષ માહિતી આપાવમાં આવી છે જે અનુસાર 22 નવેમ્બર, 2023 સુધી 4.3 કરોડ PMJDY ખાતાઓમાં શૂન્ય બેલેન્સ છે કારણ કે આ ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવેલા આ ખાતાઓમાંથી 55.8 ટકા ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે. આ સાથે 29 નવેમ્બર, 2023 સુધી, PMJDY બેંક ખાતાધારકોને લગભગ રૂ. 34.67 કરોડ ડેબિટ કાર્ડ આપવામાં આવ્યા છે. ઓવરડ્રાફ્ટની મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. RuPay કાર્ડ ધારકો માટે 1 લાખ રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. PMJDY યોજનામાં ફ્લેક્સી-રિકરિંગ ડિપોઝિટ જેવા માઇક્રો ફાઇનાન્સ માટે કોઈ ઇનબિલ્ટ જોગવાઈ નથી.
જો કે, જન ધન બેંક ખાતા ધારકો તેમની બેંકોમાંથી માઇક્રો-ફાઇનાન્સનો લાભ મેળવી શકે છે.