નેશનલ

‘ભારત આતંકવાદ સામે કાર્યવાહી ચાલુ રાખશે’; યુદ્ધવિરામની જાહેરાત બાદ એસ જયશંકરનું નિવેદન

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસો સુધી ચાલેલા તણાવ બાદ અંતે બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત (India-Pakistan Tension) થયા છે. આ યુદ્ધ વિરામ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સેક્રેટરી ઓફ સ્ટેટ્સ માર્કો રુબીયોએ મહત્વની ભૂમકા ભજવી હતી, આ યુદ્ધ વિરામ 12મી મે સુધી લાગુ રહેશે. આ યુદ્ધ વિરામની જાહેરાત બાદ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર(S Jaishankar)એ મહત્વનું નિવેદન આપ્યું છે.

એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ મુજબ તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સમજૂતી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ સામે ભારતનું વલણ અકબંધ રહેશે.

જયશંકરે X પર પોસ્ટ કરીને લખ્યું, “ભારત અને પાકિસ્તાને આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા અંગે સમજૂતી કરી છે. ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને રીતો સામે સતત મક્કમ અને દ્રઢ વલણ જાળવી રાખશે.”

આ પણ વાંચો: અનેક દેશોના વિદેશ પ્રધાનો સાથે એસ જયશંકરે કરી વાત, કહ્યું – ભારત પાસે વળતો જવાબ આપવાનો અધિકાર…

પાકિસ્તાને કરી યુદ્ધવિરામનો અપીલ:

સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) એ તેમના ભારતીય સમકક્ષ સાથે સંપર્ક કરીને સીધી વાતચીત પણ કરી હતી, ત્યાર બાદ આ કરાર મંજુર કરવામાં આવ્યો હતો. બંને પક્ષો યુદ્ધવિરામ માટે સંમત થયા હતા, જોકે વધારાના મુદ્દાઓ પર વધુ વાટાઘાટો શરૂ કરવાની કોઈ માહિતી આપવામાં આવી નથી.

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) એ બપોરે યુદ્ધવિરામની અપીલ કરી હતી. ચર્ચા બાદ, બંને પક્ષો શનિવારે સાંજે 5 વાગ્યાથી 12મી મે રાતના 12 વાગ્યા સુધી જમીન, હવા અને સમુદ્રમાં તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા.

યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું, “યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી માટે કરવામાં આવેલી લાંબી વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button