પીએમ મોદી ડિમાન્ડિંગ બોસ છે, રોજ કામનો હિસાબ લે છેઃ વિદેશ પ્રધાન જયશંકરે કહી દીધી મનની વાત
નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે. અમેરિકાના આગામી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સુધી દરેક વ્યક્તિ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે, પરંતુ શું તમે જાણો છો કે પીએમ મોદી એક બોસ તરીકે કેવા છે? આ સવાલ દરેકના મનમાં આવતો હશે. દરેક વ્યક્તિ તેનો જવાબ જાણવા માગતો હશે. લોકોના મનમાં ઉઠતા આ સવાલનો જવાબ ખુદ વિદેશ પ્રધાન એસ જયશંકરે આપ્યો છે.
વિદેશ પ્રધાન એસ જયશંકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિમાન્ડિંગ બોસ માને છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ‘દરરોજ મારું (અપ્રેઝલ) મૂલ્યાંકન થાય છે. પીએમ મોદી સમક્ષ મામલો રજૂ કરતા પહેલા તમારે સંપૂર્ણ તૈયારી કરવી પડશે, કારણ કે તેઓ અગાઉથી તૈયારી કરીને જ આવ્યા હોય છે. તેમની પાસે એ મામલાની સંપૂર્ણ જાણકારી હોય છે. તેથી તમે એમની સાથે જેની વાત કરી રહ્યા છો, તેની તમારી પાસે પૂરી જાણકારી હોવી જ જોઇએ અને તમારે તમારા મુદ્દાને વળગી રહેવું જોઇએ. તમારી પાસે ડેટા હોવો જોઈએ. કોઇ આડીઅવળી વાત નહીં ચાલે.
જયશંકરે જણાવ્યું હતું પીએમ મોદી ખૂબ જ ઇન્ટરેક્ટિવ બોસ છે. કેટલાક બોસ એવા હોય છે જે તમારી સાથે વાત કરતા પહેલા જ પોતાનું નિર્ણય કરી ચૂક્યા હોય છે અથવા તમારી ઉપર નિર્ણય થોપી દેતા હોય છે, પણ મોદી અલગ છે.
તેમની નિર્ણય લેવાની શૈલી એકદમ ઇન્ટરેક્ટિવ છે. તેમને મોદી સાથે કામ કરવાની મજા આવી, કારણ કે તેઓ તમને નિર્ણયો લેવાની અને કામ કરવાની સ્વતંત્રતા આપે છે. યુક્રેન કટોકટી દરમિયાન પીએમ મોદીએ નક્કી કર્યું હતું કે આપણે લોકોને બહાર કાઢવા પડશે. તેમણે જણાવ્યું હતું કે, ‘તમારે જે કરવું હોય તે કરો, એરફોર્સનો ઉપયોગ કરો, નાગરિક ઉડ્ડયનનો ઉપયોગ કરો, લોકો સાથે વાત કરો, મારે કોઈને ફોન કરવો હોય તો હું પણ એ કરીશ, તમારે મંત્રીઓને મોકલવાના હોય તો મોકલી આપો, પણ આપણા નાગરિકોને બહાર કાઢો. તે તમને કામ કરવાની સ્વતંત્રતા આપે છે.’
Also Read – દેશના 51માં ચીફ જસ્ટિસ બન્યા Sanjiv Khanna, જાણો તેમના અંગે
જયશંકરે અમેરિકાની ચૂંટણીઓ પર પણ વાત કરી હતી અને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે પરત ફર્યા પછી ઘણા દેશો અમેરિકાથી થોડા નર્વસ છે, પરંતુ ભારત તેમાંથી એક નથી. ભારત-અમેરિકા સંબંધો અને ટ્રમ્પની જીત પર વિદેશ મંત્રીએ કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ પ્રથમ ત્રણ લોકોમાં હતા જેમની સાથે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે વાત કરી હતી.’ તેમણે કહ્યું હતું કે ભારત અને વડાપ્રધાન મોદીએ ઘણા દેશના પ્રમુખો સાથે સંબંધ બાંધ્યો છે. આજે ઘણા દેશો અમેરિકાથી નર્વસ છે… પરંતુ આપણે નર્વસ નથી.’