દરેક દેશમાંથી આપણને સમર્થન મળે તે શક્ય નથીઃ જાણો Dr. S. Jaishankarએ આમ શા માટે કહ્યું

મુંબઈઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે નાગપુર ખાતે એક બેઠક દરમિયાન જણાવ્યું હતું કે દરેક સમયે આપણને દરેક દેશમાંથી સમર્થન મળે તે શક્ય નથી. આમ કહેવા પાછળનું તેમનું કારણ માલદિવ સાથે ચાલી રહેલો વિવાદ છે. માલદીવ સાથેના તણાવ વિશે પૂછવામાં આવતા જયશંકરે કહ્યું કે રાજનીતિ એ રાજકારણ છે. હું કે કોઈ ખાતરી આપી શકે નહીં કે કે દરેક દેશમાં દરેક વ્યક્તિ અમને ટેકો આપશે અથવા હંમેશા અમારી સાથે સહમત થશે. તેમણે આગળ કહ્યું, અમારા પ્રયાસો તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવાના છે અને મોદી સરકાર આમાં ઘણી હદ સુધી સફળ થઈ છે. અમે છેલ્લા 10 વર્ષમાં ઘણા દેશો સાથે સારા સંબંધો બનાવ્યા છે.
જયશંકરે રાજકીય સંબંધોમાં ઉતાર-ચઢાવ હોવા છતાં લોકોમાં સકારાત્મક ભાવનાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક સ્તરે મજબૂત સંબંધો બનાવવા માટે છેલ્લા એક દાયકામાં ભારતના પ્રયાસોને રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે રાજકારણ અસ્થિર હોઈ શકે છે, પરંતુ તે દેશના લોકો ભારત પ્રત્યે સારી લાગણી ધરાવે છે અને સારા સંબંધો રાખવાનું મહત્વ સમજે છે. વધુમાં, તેમણે અન્ય દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ભારતની ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
માલદીવના ત્રણ નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી અને લક્ષદ્વીપની તેમની તાજેતરની મુલાકાતની ટીકા કર્યા પછી ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદો ઊભા થયા હતા. ભારતે આ ટિપ્પણીની સખત નિંદા કરી હતી અને માલદીવના રાજદૂતને બોલાવીને તેનો વિરોધ નોંધાવ્યો હતો. દેશના પીએમ વિશે ખોટી ટિપ્પણીએ ભારતીય લોકોમાં ગુસ્સો ફેલાવ્યો. લોકોએ બોયકોટ માલદીવ નામનું અભિયાન શરૂ કર્યું. વધતા જતા વિવાદને જોતા માલદીવ સરકારે તેના ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે.