
બર્લિનઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા લીધો હતો. ઓપરેશનને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સહિતના પ્રધાનો નિવેદન આપી ચુક્યા છે. આ દરમિયાન જર્મન કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ સાથેની વાતચીત દરમિયાન વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર વિશે વાત કરી હતી.
ઓપરેશન સિંદૂર દ્વારા અમે આતંકવાદનો જવાબ આપ્યો: જયશંકર
તેમણે કહ્યું, આ એક આતંકી હુમલો હતો, જે એક પેટર્નનો ભાગ છે. હુમલાએ ફક્ત જમ્મુ-કાશ્મીર જ નહીં પરંતુ ભારતના અન્ય ભાગોને પણ નિશાન બનાવ્યા છે. તેનો ઉદ્દેશ્ય ડરનું વાતાવરણ બનાવવાનો અને કાશ્મીરના પર્યટન અર્થતંત્રને નષ્ટ કરવાનો હતો. તેનો ઉદ્દેશ્ય ધાર્મિક મતભેદ પેદા કરવાનો હતો. ઓપરેશન સિંદૂર દ્વારા અમે આતંકવાદનો જવાબ આપ્યો હતો. અમે આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. અમારું ઓપરેશન આતંકવાદ વિરુદ્ધ છે. આ કિસ્સામાં આતંકીઓ પાડોશી દેશમાંથી આવે છે. આ દેશે ઘણા વર્ષોથી આતંકવાદને એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.

જર્મની ભારતના આત્મરક્ષાના અધિકારને માન્યતા આપે છે
બર્લિનમાં જયશંકરે કહ્યું, જ્યારે આતંકવાદની વાત આવે છે, ત્યારે આજે સામાન્ય રીતે કોઈ પણ દેશ એવો નથી જે એમ કહે કે જે કંઈ થયું, તેને તે સ્વીકારે છે અને તેની નિંદા નહીં કરે. જો હું કહું કે મને પોતાનો મારા દેશ અને મારા લોકોનો બચાવ કરવાનો અધિકાર છે તો મારા દેશની સુરક્ષા માટે દુનિયાના મોટાભાગના લોકો મારી સાથે સહમત થશે. જર્મની સહમત છે. અમે આતંકવાદી હુમલાની ખૂબ પહેલા કરવામાં આવેલી નિંદા માટે બધાના આભારી છીએ. સાથે જ 7 મેના રોજ અને આજે ફરી પ્રધાન વેડફુલ પાસેથી પણ અમને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે જર્મની ભારતના આત્મરક્ષાના અધિકારને માન્યતા આપે છે.
ભારતે 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજદ્વારી સ્તરે પાકિસ્તાન અને તેના દ્વારા પ્રાયોજિત આતંકવાદ પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓએ 26 લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. તેના જવાબમાં ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. તેનું નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ન્યૂ નોર્મલ જાહેર કર્યો હતો. જેના હેઠળ ભારત હવે કોઈપણ સરહદ પાર આતંકવાદી હુમલાને ભારત વિરુદ્ધ યુદ્ધની કાર્યવાહી માનશે.