કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે? એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે કરી બેઠક
નવી દિલ્હી: અંદાજે છેલ્લા પાંચ વર્ષથી બંધ થયેલ પવિત્ર કૈલાશ માનસરોવરની યાત્રા (Kailash Mansarovar) ફરી શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ છે. આ સિવાય બંને દેશોના સમકક્ષો વચ્ચે સરહદ પારની નદીઓના ડેટા શેરિંગ, ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ્સ અને મીડિયા એક્સચેન્જને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે.
આ પણ વાંચો: 26/11 મુંબઈ હુમલાનો જવાબ ભારતે આપ્યો નહોતો, પણ હવે નહીં ચલાવાયઃ જયશંકરે મુંબઈમાં કરી મોટી વાત…
જયશંકરની ચીનનાં નેતા સાથે મુલાકાત
બ્રાઝિલમાં G20ના શિખર સંમેલન પર વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ના રાજકીય બ્યુરોના સભ્ય, વિદેશ પ્રધાન વાંગ યી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. વૈશ્વિક પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે મતભેદો અને સમાનતા બંને છે. અમે BRICS અને SCO ફ્રેમવર્કમાં રચનાત્મક રીતે કામ કર્યું છે. G20માં પણ અમારો સહયોગ સ્પષ્ટ રહ્યો છે.
બંને નેતાઓ સંમત
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ ભારતીય વિદેશ મંત્રી સાથે પોતાની સહમતી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારત-ચીન સંબંધો વિશ્વ રાજકારણમાં વિશેષ મહત્વ ધરાવે છે. અમારા નેતાઓ આગળ વધવાના માર્ગ પર કઝાનમાં સંમત થયા હતા. બંને મંત્રીઓએ પરસ્પરના સંબંધોને સ્થિર કરવા, મતભેદો ઘટાડવા અને મહત્ત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા અંગે સંમત થયા હોવાનું જણાવ્યું હતું.
પાંચ વર્ષથી છે બંધ યાત્રા
કૈલાશ માનસરોવર યાત્રા પણ ચીનના રાજકીય સબંધો પર આધાર રહે છે. ભારતીયો માટે ખૂબ જ પવિત્ર ગણાતી કૈલાશ માનસરોવર યાત્રા 2020થી સતત પાંચમા વર્ષે બંધ છે. યાત્રાના બંને રસ્તાઓ બંધ છે. ચીને ગયા વર્ષે નેપાળ દ્વારા માર્ગ ખોલ્યો હતો પરંતુ કડક નિયમોના કારણે તે ભારતીયો માટે વ્યવહારીક રીતે બંધ છે. યાત્રા બંધ કરવા માટે કોરોનાને કારણ બતાવ્યું હતું પરંતુ હકીકતે આ 2020થી ભારત-ચીન સરહદ તણાવને કારણે ચીનની રણનીતિ લાગે છે.