ઇન્ટરનેશનલનેશનલસ્પેશિયલ ફિચર્સ

રશિયાની પરમાણુ યુદ્ધની ધમકી, નાટોના દેશોમાં ફફડાટ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ જો બાઇડને યુક્રેનને લાંબી રેન્જનાં આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (એટીએસીએમએસ) મિસાઈલો રશિયા સામે વાપરવાની મંજૂરી આપી ને યુક્રેને શુભસ્ય શીઘ્રમ કરીને રશિયા સામે આ મિસાઈલોનો ઉપયોગ શરૂ પણ કરી દીધો.

તેના કારણે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વિશ્ર્વ યુદ્ધમાં ફેરવાઈ જાય તેનો ખતરો વધી ગયો છે.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટોના દેશોને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે, રશિયા સામે બેલેસ્ટિક મિસાઈલના હુમલાનો જવાબ પરમાણુ હુમલા સાથે આપવામાં આવશે.

રશિયાએ પોતાની નીતિમાં પણ ફેરફાર કરતાં કહ્યું છે કે, કોઈ ગઠબંધનના સભ્ય દેશ તરફથી કે સભ્ય ના હોય એવા દેશ તરફથી પણ ગઠબંધના દેશે આપેલાં હથિયારોથી હુમલો કરશે તો રશિયા આ આક્રમણને સમગ્ર ગઠબંધન તરફથી કરવામાં આવેલો હુમલો માનીને જવાબ આપશે.

મતલબ કે અમેરિકન હથિયારોથી થયેલા હુમલા માટે તે તમામ નાટો દેશોને આ માટે જવાબદાર માનશે અને પોતાના ન્યૂક્લિયર હથિયારોનો ઉપયોગ તેમની સામે કરશે.

અમેરિકાએ યુક્રેનને આપેલી મંજૂરીના પગલે રશિયાએ પરમાણુ હુમલા અંગે પોતાની પોલીસીમાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે.

નવી નીતિ અનુસાર જો કોઈ ન્યૂક્લિયર શક્તિવાળા દેશની મદદથી રશિયાની જમીન પર બિન-પરમાણુ દેશ દ્વારા કન્વેંશનલ મિસાઈલથી હુમલો થશે છે તો રશિયા પરમાણુ હથિયારોના ઉપયોગ માટે સ્વતંત્ર છે.
ન્યૂક્લિયર શક્તિવાળો દેશ અમેરિકા છે અને તેની મદદથી યુક્રેન રશિયાની જમીન પર મિસાઈલથી હુમલો કરે તો રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે.

પુતિને પણ કહ્યું જ છે કે, યુક્રેન સહિતના કોઈ પણ બિન-પરમાણુ દેશ પરમાણુ શક્તિ ધરાવતા દેશ સાથે હુમલો કરશે તો તેને રશિયા સામેનો જંગ ગણીને એ જ ભાષામાં જવાબ આપવામાં આવશે.

અમેરિકા યુક્રેનને યુદ્ધમાં મદદ કરવા માંડ્યું ત્યારથી રશિયામાં આ નીતિગત ફેરફારની વિચારણા ચાલી રહી હતી.

જો બાઇડને યૂક્રેનને લાંબા અંતરની અમેરિકન મિસાઈલોને રશિયા વિરૂદ્ધ ઉપયોગની મંજૂરી આપી એ સાથે જ રશિયાએ આ નિર્ણય લઈ લીધો.

રશિયાએ એવું પણ જાહેર કર્યું છે કે, રશિયાને એવું લાગશે કે તેના દેશ અને લોકોને ખતરો છે તો ન્યૂક્લિયર મિસાઈલ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરી શકે છે. રશિયાનો આ નિર્ણય માત્ર બેલેસ્ટિક મિસાઈલોને લાગુ નથી પડતો.

રશિયાની સીમામાં કોઈ ડ્રોન અથવા એરક્રાફ્ટ ઘૂસે તો પણ તેને રશિયા પર ખતરા તરીકે જોવામાં આવશે.

યુક્રેને મંગળવારે સવારે બ્રાયન્સ્ક વિસ્તારમાં આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમમાંથી છ લાંબી રેન્જની મિસાઈલો છોડી હતી. રશિયાનો દાવો છે કે, તેમણે પાંચ મિસાઈલો તોડી પાડી છે પણ હવે પછી આ પ્રકારની હરકત સહન નહીં કરાય ને પરમાણુ હુમલો કરાશે.

રશિયાની ચેતવણીના કારણે અમેરિકાના સાથી મનાતા યુક્રેનની નજીક આવેલા અમેરિકાના સાથી મનાતા દેશો ફફડી ગયા છે.

બે આખલાની લડાઈમાં ઝાડનો સોથ નીકળે એમ પોતે પિસાઈ જશે તેનો તેમને ડર છે. નાટો દ્વારા પણ અમેરિકાની ટીકા કરાઈ છે.

નોર્વે, ફિનલેન્ડ અને ડેનમાર્ક સહિતના નાટોના કેટલાક દેશોએ તો પોતાના નાગરિકોને યુદ્ધની સ્થિતી માટે તૈયાર રહેવાની ચેતવણી પણ આપી દીધી છે.

નોર્વે, ફિનલેન્ડ અને ડેનમાર્કે પોતાના નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા અને સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા સૂચના આપી છે.

આ દેશોની સરહદો રશિયા અને યુક્રેનને અડીને આવેલી છે. યુક્રેન પર રશિયા દ્વારા પરમાણુ હુમલો થાય તો સૌથી પહેલાં આ દેશોને અસર થશે.

નોર્વેએ પેમ્ફલેટ વહેંચીને નાગરિકોને યુદ્ધ વિશે ચેતવણી આપવા માંડી છે. સ્વિડને તેના બાવન લાખથી વધુ નાગરિકોને પોસ્ટ દ્વારા પેમ્ફલેટ મોકલ્યા છે કે જેમાં પરમાણુ યુદ્ધ દરમિયાન રેડિયેશન સામે રક્ષણ માટે ઉપયોગમાં લેવાતી આયોડિન ગોળીઓ રાખવાની સૂચના આપવામાં આવી છે.

સ્વિડન નાટોનું સૌથી નવું સભ્ય છે અને રશિયા સાથે સરહદ ધરાવતું નથી પણ તેના પર ખતરો છે કેમ કે રશિયાની સૌથી નજીક છે.

Also Read – અમેરિકન મિસાઈલ બાદ હવે યુક્રેને રશિયા પર બ્રિટિશ ક્રૂઝ મિસાઈલ છોડી, વિશ્વયુદ્ધનું જોખમ વધ્યું!

સ્વિડને યુદ્ધની સ્થિતિમાં શું કરવું એ અંગેની નાગરિકો માટે માર્ગદર્શિકા ‘ઇન કેસ ઑફ ક્રાઇસિસ ઑફ વોર’ બહાર પાડી છે. સ્વિડને યુદ્ધની કટોકટીનો સામનો કરવા માટે લોકોને ખોરાક અને પીવાના પાણીનો ૭૨ કલાક સુધી સંગ્રહ કરવાની સૂચના આપી છે, નાગરિકોને બટાકા, કોબી, ગાજર અને ઈંડા વગેરેનો પૂરતો સ્ટોક રાખવાનું સૂચન કર્યું છે.

ફિનલેન્ડની રશિયા સાથે ૧૩૪૦ કિ.મી.થી વધુ લાંબી સરહદ છે તેથી ફિનલેન્ડ સૌથી વધુ ફફડેલું છે.

ફિનલેન્ડ પણ ૨૦૨૩માં જ નાટોમાં જોડાયું છે. ફિનલેન્ડ સરકારે યુદ્ધની સ્થિતિમાં સામાન્ય લોકોને મદદ કરવા માટે નવી વેબસાઇટ શરૂ કરી છે.

ફિનલેન્ડે ઓનલાઈન મેસેજમાં લોકોને દેશ પર હુમલો થશે તો સરકાર શું કરશે તેની વિગતો આપી છે.

ફિનલેન્ડે તેના નાગરિકોને યુદ્ધના કારણે વીજળીનો પુરવઠો ખોરવાઈ શકે છે એવી ચેતવણી આપીને બેક-અપ પાવર સપ્લાય જાળવવા કહ્યું છે.

લોકોને સરળતાથી રાંધી શકાય એવી અથવા તૈયાર ખાદ્ય સામગ્રી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

અમેરિકાને પણ રશિયા ચૂપ નહીં બેસે તેનો અંદાજ આવી ગયો છે તેથી અમેરિકાએ બુધવારે યુક્રેનની રાજધાની કિવમાં તેનું દૂતાવાસ બંધ કરી દીધું છે.

યુએસએના સ્ટેટ કાઉન્સેલર વિભાગે મંગળવારે જાહેરાત કરીને એમ્બેસીના કર્મચારીઓને સલામત સ્થળે રહેવા કહ્યું છે. યુક્રેનમાં રહેતા અમેરિકન પ્રવાસીઓને પણ સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે અને કોઈપણ ખતરાની સ્થિતિમાં સલામત સ્થળે જવા માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે.

અમેરિકા અને રશિયાનું વલણ જોતાં દુનિયા પર મોટો ખતરો તોળાઈ રહ્યો હોય એવું લાગે છે.

કમનસીબી એ છે કે, બંનેમાંથી કોઈ દેશ નમતું જોખવા તૈયાર નથી ને અમેરિકાનું વલણ તો અત્યંત આઘાતજનક છે.

Also Read – રશિયાએ યુક્રેન પર છોડી આ ખતરનાક મિસાઈલ, યુદ્ધમાં પહેલીવાર જ થયો ઉપયોગ

બાઈડને પહેલા યુક્રેનને રશિયામાં લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ત્યારે જ બંને દેશો વચ્ચે તણાવ વધવા માંડેલો છતાં અમેરિકી પ્રમુખ જો બાઈડને યુક્રેનને એન્ટિ-પર્સનલ લેન્ડ માઇન્સ આપવાની જાહેરાત કરી નાખી છે.

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને લેન્ડ માઈન્સ બહુ જલદી યુક્રેનને આપવા પણ કહી દેવાયું છે.

અમેરિકાનું કહેવું છે કે, પોતે યુક્રેનને આ લેન્ડ માઈન્સનો ઉપયોગ યુક્રેનની સરહદમાં જ કરવા કહ્યું છે. યુક્રેનના પૂર્વ વિસ્તારમાં રશિયન સેના ઝડપથી વધી રહી છે તેથી તેને રોકવા માટે અમેરિકાએ યુક્રેનને લેન્ડ માઈન્સ આપવાનો નિર્ણય કર્યો છે.

અમેરિકાની વાત સાચી હોઈ શકે છે કેમ કે યુક્રેનની તાકાત રશિયાની અંદર ઘૂસીને લેન્ડ માઈન્સ બિછાવવાની નથી પણ આ પ્રકારના એક પછી એક નિર્ણયો જોતાં બાઇડેન જતાં જતાં દુનિયાની હાલત બગાડતા જશે એવું લાગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button