મોસ્કો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રશિયાના પ્રવાસે(PM Modi’s Russia Visit) છે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) સાથેની બેઠકમાં ઘણાં મુદ્દે ચર્ચા થઇ હતી. બેઠક બાદ રશિયન આર્મીમાં કામ કરી રહેલા ભારતીયોને(Indians in Russian army) વતન પરત ફરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિમીર પુતિન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના પ્રસ્તાવનો સ્વીકારી કર્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વડા પ્રધાન મોદીને તેમના ઘરે ચા માટે આમંત્રણ આપ્યું હતું. અહીં બંને વચ્ચેની વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ રશિયન સેનામાં કામ કરતા ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન પુતિને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા.
વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ચા સાથે બેઠક દરમિયાન ઘણા મુદ્દાઓ પર અનૌપચારિક વાતચીત થઈ. બેઠક દરમિયાન પુતિને કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમનું આખું જીવન તેમના(ભારતના) લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે અને લોકો તેને અનુભવી શકે છે.
મોસ્કોની બહાર સત્તાવાર નિવાસસ્થાને ચા પર બંને રાષ્ટ્રના વડાઓ વચ્ચે અનૌપચારિક બેઠક દરમિયાન વડા પ્રધાન મોદીએ તેમના દેશમાં તાજેતરની ચૂંટણીઓને યાદ કરી અને કહ્યું કે ભારતના લોકોએ તેમને માતૃભૂમિની સેવા કરવાની તક આપી છે. રશિયન મીડિયાના અહેવાલ મુજબ, વડાપ્રધાન મોદીએ હસતા હસતા કહ્યું, “તમારી વાત સાચી છે, મારું એક જ લક્ષ્ય છે – મારો દેશ અને તેની જનતા.”
આજે વડા પ્રધાન મોદી મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક કરશે. લગભગ 5 વર્ષમાં વડા પ્રધાન મોદીની રશિયાની આ પહેલી મુલાકાત છે, છેલ્લી વખત તેઓ 2019માં રશિયા ગયા હતા.