નેશનલ

ભારતના સમર્થનમાં આગળ આવ્યું રશિયા, આતંકવાદી પન્નુ હત્યા અંગે કહ્યું….

રશિયાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ભારતનું સૌથી સારો મિત્ર છે. રશિયાના વિદેશ મંત્રાલયે બુધવારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્ર સાથે જોડાયેલા કેસ પર અમેરિકાને અરીસો બતાવ્યો છે. તેણે અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. રશિયા દ્વારા આપવામાં આવેલા આ નિવેદન બાદ અમેરિકાને મરચા લાગી શકે છે. આ અંગે રશિયાના વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા મારિયા ઝખારોવાએ બુધવારે કહ્યું હતું કે અમારી પાસે જે માહિતી છે તે મુજબ અમેરિકાએ હજુ સુધી જીએસ પન્નુની હત્યાની તૈયારીમાં ભારતીય નાગરિકોની સંડોવણીના કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી.
આટલેથી જ ના અટકતા મારિયા ઝખારોવાએ કહ્યું હતું કે ,’પુરાવાઓની ગેરહાજરીમાં આ વિષય પર અટકળો અસ્વીકાર્ય છે. અમેરિકામાં ભારતના વિકાસ અને ઐતિહાસિક સંદર્ભની સમજનો અભાવ છે, જે એક રાષ્ટ્ર તરીકે ભારત પ્રત્યે અનાદર દર્શાવે છે. ‘ઝખારોવાએ એમ પણ કહ્યું હતું કે, ‘અમેરિકા હંમેશા નવી દિલ્હી પર પાયાવિહોણા આરોપો લગાવે છે. જોકે, અમેરિકા માત્ર ભારત પર જ નહીં પરંતુ અન્ય ઘણા દેશો પર પણ પાયાવિહોણા આરોપો લગાવે છે. તેઓ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે.’
નોંધનીય છે કે અમેરિકાએ ભારત પર આરોપ લગાવ્યો હતો કે RAWના ભૂતપૂર્વ અધિકારીએ પન્નુની હત્યાની જવાબદારી નિખિલ ગુપ્તા નામના વ્યક્તિને આપી હતી, જેના માટે તે વ્યક્તિને 1 લાખ ડોલર ચૂકવવાની વાત થઈ હતી. ભારતે પન્નુની નિષ્ફળ હત્યાના ષડયંત્ર પાછળ કોઈપણ પ્રકારના જોડાણના અમેરિકાના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો.
થોડા દિવસો પહેલા અમેરિકી પ્રમુખ જો બાઇડેને ભારત, ચીન, જાપાન અને રશિયાને ઝેનોફોબિક ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેના કારણે આ દેશો આર્થિક રીતે આગળ વધી શક્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button