મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે તીવ્ર સુધારો જોવા મળ્યો હોવાથી છતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલરમાં આયાતકારોની માગ, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહેતાં ડૉલર સામે રૂપિયો સુધારો દાખવવામાં નિષ્ફળ રહ્યો હતો અને સત્રના અંતે વધુ આઠ પૈસા ગબડીને 85.12ની સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે, ફોરેક્સ ટ્રેડરોનું મંતવ્ય છે કે ફેડરલ રિઝર્વે વર્ષ 2025માં ધીમી ગતિએ વ્યાજદરમાં ઘટાડાના સંકેત આપ્યા હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જળવાઈ રહેતાં રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતાઓ વધુ છે.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 85.04ના બંધ સામે સાધારણ સુધારા સાથે 85.02ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 85.13 અને ઉપરમાં 85.02ની રેન્જમાં અથડાઈને અંતે આઠ પૈસાના ઘટાડા સાથે 85.12ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ઐતિહાસિક નીચી સપાટીએથી પાછો ફર્યો હતો.
એકંદરે આજે વિશ્વ બજારમાં ચીનના ચલણ યુઆન સામે ડૉલર વધુ મજબૂત થવાની સાથે સ્થાનિક સ્તરે ડૉલરમાં વધુ માગ અને ક્રૂડતેલના ભાવમાં વધારો થવાથી રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું તેમ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણને કારણે અમુક અંશે ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ્સ શૅરખાનનાં વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સિવાય સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્ય પ્રવાહ પણ રૂપિયા પર દબાણ લાવી રહ્યો છે.
Also Read – Stock Market : શેરબજારની વધારા સાથે શરૂઆત, સેન્સેકસ નિફ્ટીમાં ઉછાળો
હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 84.90થી 85.15 આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.38 ટકા વધીને 107.75 આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.07 ટકા વધી બેરલદીઠ 72.99 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.