નેશનલ

ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા તૂટીને ઐતિહાસિક નીચી સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં સતત બાહ્યપ્રવાહ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા તૂટીને ૮૩.૩૪ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૪ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં નીચામાં ઐતિહાસિક ૮૩.૩૫ સુધી ગબડ્યો હતો અને સત્ર દરમિયાન ઉપરમાં ૮૩.૨૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૧૦ પૈસા ઘટીને ૮૩.૩૪ના મથાળે બંધ રહ્યો હતો.

એકંદરે મધ્યપૂર્વના દેશોની રાજકીય-ભૌગોલિક તણાવ અંગે પ્રવર્તી રહેલી અનિશ્ર્ચિતતા, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટની નરમાઈને કારણે રૂપિયો દબાણ હેઠળ આવી રહ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે ઑક્ટોબર મહિનાનો જાહેર થયેલો ઉત્પાદનનો પીએમઆઈ આંક આઠ મહિનાની નીચી સપાટીએ રહ્યો હોવાથી વેપારીઓએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું. જોકે, અમારા મતાનુસાર આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો ૮૩થી ૮૩.૬૦ આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય.

આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૦ ટકા વધીને ૧૦૬.૮૭ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવ ૧.૩૪ ટકા ઉછળીને બેરલદીઠ ૮૬.૧૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૮૩.૬૦ પૉઈન્ટનો અને ૯૦.૪૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૬૯૬.૦૨ કરોડની ઈક્વિટીમાં વેચવાલી રહેતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button