રૂપિયો કડડડભૂસ
ડૉલર સામે રૂપિયામાં ૪૭ પૈસાના ગાબડાં સાથે નવી નીચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં બાઉન્સબૅક થતાં અન્ય એશિયાઈ ચલણો પણ નબળા પડ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૪૭ પૈસાના ગાબડાં સાથે ૮૩.૬૧ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ડૉલર સામે રૂપિયો ૮૩.૪૦ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૩ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૨૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૬૫ અને ઉપરમાં ૮૩.૨૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૪૭ પૈસા ગબડીને ૮૩.૬૧ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે વિશ્ર્વ બજારમાં યુરો અને પાઉન્ડ સામે ડૉલર મજબૂત થતાં રૂપિયા સહિતના એશિયન ચલણો માઠી અસર પડતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે સ્વિસ નેશનલ બૅન્કે આશ્ર્ચર્યજનક પગલું ભરીને વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક આગામી જૂન મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ થતાં ડૉલર સામે યેન અને યુરો નબળાં પડ્યા હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૩૧ ટકાના બાઉન્સબૅક સાથે ૧૦૪.૩૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૮૨૬.૯૭ કરોડની વેચવાલી રહેતા રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા ઘટીને બેરલદીઠ ૮૫.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયામાં ઘટાડો અમુક અંશે સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.