ઉમેદવારોની યાદીમાંથી રૂપાલા અને માંડવિયા આઉટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક એકસાથે ખાલી પડી રહી છે. ભાજપે બુધવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ યાદીમાંથી આઉટ થઈ ગયા છે. હવે એમના માટે લોકસભા જ છેલ્લો વિકલ્પ છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક ખાલી થઈ રહી છે તેમાં એપ્રિલમાં ભાજપના બે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને બે કોંગ્રેસના સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. આ બેઠકો બાદ એપ્રિલ કે મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. હાલ વિધાનસભામાં જે પ્રકારે ભાજપનું સંખ્યાબળ છે તે જોતા ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેમ છે. કોરોનાકાળમાં આરોગ્યપ્રધાન તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી ચૂકેલા માંડવિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુડબુકમાં છે. તેઓ તેમના વિશ્ર્વાસુ ગણાય છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે પણ માંડવિયાનું નામ વારંવાર ચર્ચાતું રહ્યું છે. હવે તેમને લોકસભાની ચૂંટણીમાં ઉતરાવામાં આવે તેવી શક્યતા પ્રબળ જણાય છે. લોકસભામાં જો મનસુખ માંડવિયાને ઉમેદવારી કરાય તો કઈ બેઠક હોય તેમાં રાજકીય વર્તુળોમાં મતમતાંતર છે. પાલિતાણાના વતની મનસુખ માંડવિયા માટે ભાવનગર જિલ્લાની બેઠક યોગ્ય ગણાય. પણ આ બેઠક પર કોળી અને ક્ષત્રિય સમાજનો મોટો વર્ગ હોવાથી મોટાભાગે આ બેઠક પર આ બંને સમાજને પ્રતિનિધિત્વ મળતું રહ્યું છે. અલબત્ત અહીં પાટીદારોની સંખ્યા પણ એટલી જ નોંધપાત્ર છે. વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને હટાવીને પાટીદાર ઉમેદવારને ટિકિટ અપાય તો કોળી મતદાર વોટબેંક નારાજ થાય તેવી શક્યતા નકારી શકાય નહિ. આ સંજોગોમાં ભાજપ સુરેન્દ્રનગર અને રાજકોટ એમ બે બેઠક કોળી ઉમેદવારને ફાળવી કોળી વોટબેંક જાળવી રાખે તેવી ગણતરી હાલ મુકાઈ રહી છે. રૂપાલા હવે કઈ બેઠક પરથી ચૂંટણી લડશે એ ચર્ચાનો વિષય છે. બંને સૌરાષ્ટ્રના અને પાટીદાર નેતા છે. પહેલાંથી તેઓ રાજ્યસભામાં રિપિટ નહીં થાય તેવી ચર્ચાઓ હતી.