ખાનગી હોલમાં ધર્મપરિવર્તનના કાર્યક્રમની ઉડી અફવા, લોકોના ટોળાં નારેબાજી કરવા ઉમટ્યાં
દિલ્હી પાસે આવેલા વઝીરાબાદમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવાની અફવા ઉડતા મોટી સંખ્યામાં આસપાસ રહેતા લોકો કાર્યક્રમના સ્થળ સુધી ધસી આવ્યા અને ‘જયશ્રી રામ’ના નારા લગાવવા લાગ્યા. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ત્યાં પહોંચી ગઇ અને લોકોને સમજાવીને માંડ માંડ ટોળા વિખેર્યા.
વઝીરાબાદના ઝરોદા શિવકુંજ નામના વિસ્તારમાં કેટલાક હિંદુ સંગઠનોને માહિતી મળી હતી કે એક બેન્ક્વેટમાં મોટાપાયે કાર્યક્રમ યોજીને ક્રિશ્ચિયન સમુદાય દ્વારા હિંદુ સ્થાનિકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. આ વાત વાયુવેગે ફેલાઇ ગઇ અને થોડીક જ મિનિટોમાં બેન્ક્વેટની બહાર અંદાજે 300થી 400 લોકોનું ટોળું એકત્ર થઇ ગયું અને તમામ લોકો ‘જયશ્રી રામ’ના નારા લગાવવા લાગ્યા. આ દરમિયાન પોલીસે કેટલાક લોકોને ધર્મ પરિવર્તન કરાવાઇ રહ્યું છે તેવી જાણ કરી જેને પગલે પોલીસ અધિકારીઓ પણ બેન્ક્વેટ પાસે પહોંચ્યા હતા.
પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો તેમણે જોયું કે બેન્ક્વેટની બહાર અને અંદર 100થી વધુ લોકો જમા થઇ ગયા છે. અધિકારીઓએ તાત્કાલિક ભીડ કાબુમાં લેવાના પ્રયાસો કર્યા અને ટોળાને સમજાવીને શાંત પાડ્યું. કાર્યવાહીમાં પોલીસે 6 લોકોને અટકાયતમાં લીધા હતા અને થોડીઘણી પૂછપરછ કર્યા બાદ તેમને છોડી મુક્યા હતા. સમગ્ર ઘટનાની તપાસ હવે એસપીને સોંપાઇ છે. તપાસ બાદ જ બહાર આવશે કે ખરેખર ધર્મ પરિવર્તન જેવી કોઇ ઘટના હતી કે વાત માત્ર એક અફવાજ હતી.