ઔરંગઝેબ વિવાદ વચ્ચે RSSનું મોટું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું? | મુંબઈ સમાચાર

ઔરંગઝેબ વિવાદ વચ્ચે RSSનું મોટું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું?

નવી દિલ્હીઃ દેશમાં હાલ ઔરંગઝેબનો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ મોટું નિવેદન આપ્યું હતું. સંઘની ત્રણ દિવસની મીટિંગ પૂર્ણ થયા બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે ઔરંગઝેબ, મુસ્લિમ આરક્ષણ સહિત અનેક મુદ્દા પર પૂછવામાં આવેલા સવાલના જવાબો આપ્યા હતા.

સંસ્કૃતિની વાત કરનારાને અમે કરીશું ફોલો
ઔરંગઝેબ પર તેમણે કહ્યું હતું કે ભારતના જે પણ વિરોધીઓ છે તેમને રોલ મોડલ બનાવી શકાય નહીં. ગંગા-જમનાની જેમ સાથે રહેવાની વાત કરનારા લોકો ઔરંગઝેબના ભાઈ દારા શિકોહને કેમ યાદ નથી કરતાં. દિલ્હીમાં ઔરંગઝેબ રોડનું નામ બદલીને અબ્દુલ કલામ રોડ કરવામાં આવે તો તેનો કોઈ મતલબ નથી, જે આપણી સંસ્કૃતિની વાત કરશે અમે તેને જ ફોલો કરીશું.

ભાજપના પ્રમુખની ચૂંટણી કરવા માટે સ્વતંત્ર
ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના અધ્યક્ષને લઈ તેમણે કહ્યું હતું કે અમારી કોઈ પ્રચારક મોકલવાની ઈચ્છા નથી. તમામ સંગઠન સ્વતંત્ર છે અને પોતાની પ્રક્રિયા અંતર્ગત અધ્યક્ષની ચૂંટણી કરવા માટે સ્વતંત્ર છે. તેમાં અમને પૂછવાની પણ કોઈ જરૂર નથી.

ઘૂસણખોરોને રોકવા માટે સરકારની જવાબદારી
બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી પર તેમણે કહ્યું હતું કે જ્યારે ઘૂસણખોરી થાય છે ત્યારે તેને રોકવા પગલા ઉઠાવવાની સરકારની જવાબદારી હોય છે. બાંગ્લાદેશ હોય કે અન્ય ક્યાંથી ઘૂસણખોરીથી હોય, અમે કાયમથી તે ન થવી જોઈએ તેમ કહેતા આવ્યા છીએ.

દેશમાં બધું બરાબર ચાલી રહ્યું હોવાનું અમને લાગે છે
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે દેશમાં લોકોએ ભાજપનું શાસન કેવું છે તે જોયું છે. દેશમાં બધું બરાબર ચાલી રહ્યું હોવાનું અમને લાગે છે. જો કોઈ ક્ષેત્રમાં સલાહ સૂચન જેવું લાગે તો અમે કરતા હોઈએ છીએ.

આ પણ વાંચો…ચંડીગઢમાં પાકિસ્તાનમાં બનેલા હેન્ડ ગ્રેનેડથી કરવામાં આવ્યો હતો હુમલો, જાણો NIA ની ચાર્જશીટમાં બીજો શું થયો ખુલાસો

સંબંધિત લેખો

Back to top button