આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે મુસલમાનોને પણ…

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ઘણો સમય થઇ ગયો છે. આ યુદ્ધ પર ઘણા નેતાઓએ ટીપ્પણી કરી છે અને ઘણા નેતાઓએ પોતાનો પક્ષ મૂક્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મહારાષ્ટ્રની એક શાળામાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજિત કાર્યક્રમમાં આવ્યા ત્યારે તેમણે પણ યુદ્ધ મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું હતું કે હિંદુ ધર્મ તમામ સંપ્રદાયોનું સન્માન કરે છે અને ભારતમાં ક્યારેય એવા મુદ્દાઓ પર ઝઘડા થયા નથી જેના કારણે આજે હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે.
દેશમાં એક ધર્મ અને સંસ્કૃતિ છે જે તમામ સંપ્રદાયો અને આસ્થાઓનું સન્માન કરે છે. એ હિંદુ ધર્મ છે, આ હિંદુઓનો દેશ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે બીજા ધર્મને નકારીએ છીએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે જ્યારે તમે હિન્દુ કહો છો તો એ કહેવાની જરૂર નથી. અને એક આપણો ભારત દેશ જ છે કે જ્યાં મુસ્લિમોને પણ સુરક્ષા આપવામાં આવી છે. અને આવું માત્ર હિંદુઓ જ કરી શકે છે.
અન્ય કોઇ દેશોમાં આવું થતું નથી. દરેક જગ્યાએ યુદ્ધો થઇ રહ્યા છે. તમે યુક્રેન યુદ્ધ, હમાસ-ઈઝરાયલ યુદ્ધ વિશે તો ખબર જ છે. આવા મુદ્દાઓ પર આપણા દેશમાં ક્યારેય યુદ્ધ થયું નથી. શિવાજી મહારાજના સમયમાં જે હુમલાઓ થયા હતા તે આવા જ પ્રકારના હતા પરંતુ અમે આ મુદ્દે ક્યારેય કોઈની સાથે લડ્યા નથી, તેથી જ અમે હિંદુ છીએ.
નોંધનીય છે કે ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 4385 પેલેસ્ટાઈનના મોત થયા છે. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર રોકેટ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 1400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હુમલા બાદ તરત જ ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયું હતું. ઈઝરાયલનું કહેવું છે કે તે કોઇપણ સંજોગોમાં હમાસને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેશે.