
ઇન્દોર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે બ્રિટન મુદ્દે મોટું નિવેદન કર્યું છે. તેમણે બ્રિટન પર પલટવાર કરતા જણાવ્યું હતું કે એક સમયે બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ભારતની સ્વતંત્રતા પર કહ્યું હતું કે,ભારત નહીં ટકી શકે અને વિભાજીત થશે.
પરંતુ ભારત આજે વિભાજીત નથી અને આગળ વધી રહ્યું છે. બીજી તરફ હાલ બ્રિટન પોતે વિભાજન તરફ આગળ વધી રહ્યું છે. મોહન ભાગવતે આ વાત મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી પ્રહલાદ સિંહ પટેલના પુસ્તક ‘પરિક્રમા કૃપા સાર’ના વિમોચન પ્રસંગે કહી હતી.
દેશનો પ્રકૃતિ સાથેનો સંબંધ જીવંત
મોહન ભાગવતે કહ્યું કે, ભારત જ્ઞાન, કર્મ અને ભક્તિમાં પરંપરાગત દર્શનમાં વિશ્વાસને કારણે દરેકની આગાહીઓને ખોટી સાબિત કરીને સતત આગળ વધી રહ્યું છે. તેમજ વિશ્વમાં આજે વ્યક્તિગત હિતોને કારણે જ સંઘર્ષો ચાલી રહ્યા છે.
ભાગવતે દેશની પરંપરાગત સંસ્કૃતિ પર ભાર મુકતા જણાવ્યું હતું કે, ભારતમાં ગાય, નદીઓ,વૃક્ષો અને છોડની પૂજા દ્વારા પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે. દેશનો પ્રકૃતિ સાથેનો સંબંધ જીવંત અનુભવ પર આધારિત છે.
3000 વર્ષ સુધી ભારત અગ્રણી દેશ હતો
મોહન ભાગવતે જણાવ્યું હતું કે. માનવ ફક્ત એ જ માને છે જે તે જુએ છે. આ માનવ સ્વભાવ છે. જયારે વિજ્ઞાન પણ એ જ કહે છે. મોહન ભાગવતે પુસ્તક વિમોચન પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે જ્યારે 3000 વર્ષ સુધી ભારત અગ્રણી દેશ હતો ત્યારે દુનિયામાં કોઈ સંઘર્ષ નહોતા.તેમજ પર્યાવરણ ક્યારેય બગડ્યું ન હતું. માનવ જીવન સુખી હતું.
આ પણ વાંચો…મોહન ભાગવતના 75મા જન્મદિવસે પીએમ મોદીએ શું કહ્યું, જાણો