નેશનલ

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો રોહિત શર્મા

નવી દિલ્હી: નવી દિલ્હી ખાતે રમાયેલી વર્લ્ડકપની અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ૬૩ બોલમાં સદી ફટકારી હતી. તે વન-ડે વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. આ મામલે રોહિતે મહાન કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો. કપિલ દેવે ૧૯૮૩ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે માત્ર ૭૨ બોલમાં સદી ફટકારી હતી. રોહિતની વનડે કારકિર્દીની આ ૩૧મી સદી હતી. સાથે જ તે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ ટુર્નામેન્ટમાં તેના નામે સાત સદી છે. આ બાબતમાં તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. સચિનના નામે છ સદી છે.

રોહિત શર્મા વર્લ્ડ કપમાં ભારત માટે હજાર રન કરનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં સચિન તેંડુલકર ટોપ પર છે. સચિન તેંડુલકરના નામે વર્લ્ડ કપમાં ૨૨૭૮ રન છે. જ્યારે વિરાટ કોહલી બીજા સ્થાને છે, વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં ૧૧૧૫ રન કર્યા છે. તે સિવાય રોહિત શર્માએ વિશ્ર્વમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેના પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી ક્રિસ ગેઇલના નામે હતો, પરંતુ હવે તે બીજા સ્થાને પહોંચી ગયો છે. ક્રિસ ગેઇલે ૫૫૧ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં ૫૫૩ સિક્સ ફટકારી છે જ્યારે રોહિત શર્માએ ૪૭૩ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં ૫૫૪ સિક્સ ફટકારી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button