Indian Armyમાં સામેલ થશે ‘રોબો ડોગ્સ’, LAC પર કરશે ચીનનો મુકાબલો

ભારતીય સેના લાંબા સમયથી સૈન્ય તકનીકમાં નવી તકનીકોની શોધ કરી રહી છે. ભારતીય સેનામાં ટૂંક સમયમાં રિમોટ કંટ્રોલ્ડ ‘રોબોટિક ડોગ્સ’ સામેલ કરવામાં આવશે જે જરૂર પડ્યે દુશ્મન પર ગોળીબાર પણ કરશે. આ ‘રોબોટિક ડોગ્સ’ MULE (મલ્ટી-યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ ) નામે ઓળખાય છે. આ ‘રોબોટિક ડોગ્સ’ને LOC અથવા LAC પર તૈનાત કરવામાં આવી શકે છે. આ રોબો ડોગ્સ થર્મલ કેમેરા અને અન્ય સેન્સરથી સજ્જ છે.
સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 100 ‘રોબો ડોગ્સ’નો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાંથી તેમને 25 રોબો ડોગ્સની ડિલીવરી મળવાની છે. જો આ રોબો ડોગ્સ સારૂ પ્રદર્શન કરશે તો આર્મી ટૂંક સમયમાં તેમની મોટી ખરીદી કરશે. આર્કવેન્ચર્સ નામની કંપની આ રોબો ડોગ્સ સપ્લાય કરશે. આ કંપની ઘોસ્ટ રોબોટિક્સના લાયસન્સ હેઠળ આ રોબો ડોગ્સનું ઉત્પાદન કરશે.
થોડા સમય પહેલા રાજસ્થાનના પોકરણમાં આયોજિત મિલિટરી એક્સરસાઇઝમાં આ રોબોટિક ડોગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ચીને પણ આવા જ રોબો ડોગ્સનું પ્રદર્શન કર્યું છે. ચીન-કંબોડિયા યુદ્ધ અભ્યાસ દરમિયાન હથિયારોથી સજ્જ આવા જ રોબોટ ડોગ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચીનના રોબો ડોગ્સથી ચિંતિત અમેરિકાએ જણાવ્યું હતું કે ચીન LAC પર આવા રોબો ડોગ્સને તૈનાત કરી શકે છે. આ સ્થિતિમાં ભારતના આ રોબો ડોગ્સ તેનો સામનો કરી શકે છે.