Road Accident બન્યા કાળનો કોળિયોઃ એક દાયકામાં 15 લાખથી વધુ લોકોએ ગુમાવ્યાં જીવ... મુંબઈ સમાચાર

Road Accident બન્યા કાળનો કોળિયોઃ એક દાયકામાં 15 લાખથી વધુ લોકોએ ગુમાવ્યાં જીવ…

દેહરાદુન: ગઇકાલે દેહરાદૂનમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત (Road Accident in Dehradun) સર્જાયો હતો. જેમા પુરપાટ વેગે જઈ રહેલી એક ઇનોવા કાર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માત સાથે જ દેશમાં માર્ગ અકસ્માતના વધી રહેલા પ્રમાણ અને તેનાથી મોતના મુખમાં ધકેલાઇ રહેલી અમૂલ્ય માનવ જિંદગીના ગંભીર પ્રશ્ન પર ચર્ચાઓ શરૂ થઈ છે. પરંતુ માર્ગ અકસ્માતને લગતા મૃત્યુના તાજેતરના આંકડા ચોંકાવનારા છે. છેલ્લા એક દાયકામાં (2014-23) લગભગ 15.3 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.


આ પણ વાંચો : રામ ગોપાલ વર્મા ફરી વિવાદમાં ફસાયા, સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ બદલ કેસ નોંધાયો


દર 10,000 કિલોમીટરે 250 લોકોના જીવ ગયા:

તાજેતરમાં માર્ગ અકસ્માતને કારણે થતાં મૃત્યુના આંકડા જાણીને તમે પણ ચોંકી ઊઠશો, આંકડાઓ અનુસાર વર્ષ 2014 થી 2023 સુધીના છેલ્લા એક દાયકામાં લગભગ 15.3 લાખ લોકોના મોત માર્ગ અકસ્માતોના કારણે થયા છે. આ મોતના આંકડા કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની વસ્તી કરતાં વધુ છે અને લગભગ ભુવનેશ્વરની વસ્તી બરાબર છે. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને ઘટાડવા માટે તેની પ્રતિબદ્ધતાનો વારંવાર પુનરોચ્ચાર કર્યો છે અને સુપ્રીમ કોર્ટે પણ આવા મૃત્યુને રોકવા માટે હસ્તક્ષેપ કર્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના ડેટા દર્શાવે છે કે દેશમાં માર્ગ અકસ્માતમાં દર 10,000 કિલોમીટરે 250 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો આપણે અમેરિકા, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની વાત કરીએ તો આ આંકડા 57, 119 અને 11 છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ આંકડા અત્યંત ગંભીર છે.

2024 માં વાહનોની સંખ્યા 38.3 કરોડ:

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા એક દાયકા (2004-13)માં માર્ગ અકસ્માતમાં 12.1 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દેશમાં નોંધાયેલા વાહનોની સંખ્યા 2012માં 15.9 કરોડથી બમણી થઈને 2024માં અંદાજે 38.3 કરોડ થઈ ગઈ છે અને રસ્તાઓની લંબાઈ 2012માં 48.6 લાખ કિલોમીટરથી વધીને 2019માં 63.3 લાખ કિલોમીટર થઈ ગઈ છે. જોકે, રસ્તાઓની લંબાઈમાં વધારો અને વાહનોની સંખ્યામાં વધારો એ દર વર્ષે વધી રહેલા મૃત્યુનું કારણ હોઈ શકે નહીં તેમ નિષ્ણાતોનું માનવું છે.

શું કહે છે નિષ્ણાતો?

વાહનોનો વધતી સંખ્યા એ માર્ગ અકસ્માતનું કારણ ન હોય શકે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે માર્ગ સલામતી એ બહુ-ક્ષેત્રીય મુદ્દો છે જેમાં સરકારી વિભાગો, હિતધારકો અને બિન-હિતધારક સંસ્થાઓની વચ્ચે અધિક સહયોગની જરૂર છે. આ દિશામા ઘણા ઓછા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને સંબંધિત એજન્સીઓ આ અંગે કાર્યરત છે.


આ પણ વાંચો : દારૂની દુકાન-ક્લબોમાં ઉમરની તપાસ માટેની વ્યવસ્થા અંગે સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ


સાંસદ લાવશે ખાનગી સભ્યનું બિલ:

તેલંગાણામાં રોડ સેફ્ટી ઓથોરિટીના અધ્યક્ષ અને વર્તમાન સાંસદ ટી કૃષ્ણ પ્રસાદે જણાવ્યું હતું કે હત્યાને મહત્વ આપવામાં આવે છે પરંતુ માર્ગ અકસ્માતો અને તેમાં થતાં મોતોને અવગણવામાં આવે છે. માર્ગ સલામતી પર ખાનગી સભ્યનું બિલ લાવવાનું આયોજન કરી રહેલા સાંસદે જણાવ્યું હતું કે એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા ભારતમાં કોઈપણ કુદરતી આફત કરતાં વધુ છે.

Back to top button