ભાજપે વચન નિભાવ્યું! શપથવિધિ પહેલા જ યમુનાની સફાઇ શરૂ; જુઓ વિડીયો

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં યમુનાની સફાઇનો મુદ્દો ખૂબ જ ગાજ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ બંનેએ આ મુદ્દે સત્તાધારી આમ આદમી પાર્ટીને ભીંસમાં લીધી હતી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે તો યમુનામાં ઝેર ભેળવવામાં આવતું હોવાનું પણ નિવેદન કરી દીધું હતું, જેને લઈને ચૂંટણી પંચે તેમના ક્લાસ પણ લઈ લીધા હતા. જો કે હવે દિલ્હીમાં ભાજપને જંગી બહુમતી મળી છે અને ટૂંક સમયમાં જ મુખ્ય પ્રધાન પદની શપથવિધિ પણ થવાની છે. ત્યારે હવે યમુનાની સફાઇનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ચૂંટણી પ્રચારમાં આપ્યું હતું વચન
હવે જ્યારે દિલ્હીમાં ભાજપને બહુમતી મળી ગઈ છે અને ટૂંક જ સમયમાં સરકાર શપથ ગ્રહણ કરવાની તૈયારીમાં છે, ત્યારે વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન યમુના નદીની આસપાસ એક ભવ્ય રિવરફ્રન્ટ બનાવવાનું વચન આપ્યું છે. આ સંદર્ભમાં આજે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. યમુના નદીની સફાઈનું કામ શરૂ થઈ ગયું છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય દ્વારા આ અંગે અપડેટ આપવામાં આવ્યું છે. યમુનાની સફાઈ માટે ચાર મુદ્દાની રણનીતિ પણ બનાવવામાં આવી છે.
LG કાર્યાલય દ્વારા શેર કરાયા વિડીયો
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાનાં કાર્યાલયે માહિતી આપતાં જણાવ્યું હતું કે યમુના નદીની સફાઈનું કામ શરૂ થઈ ગયું છે. કચરો દૂર કરનાર મશીનો, ઘાસ કાપનારા મશીનો અને ડ્રેજ યુટિલિટી ક્રાફ્ટ દ્વારા આજે નદીમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ગઈકાલે મુખ્ય સચિવ અને ACS (I&FC)ને મળ્યા હતા અને તેમને તાત્કાલિક કામ શરૂ કરવા જણાવ્યું હતું. એલજી કાર્યાલય દ્વારા યમુનાની સફાઈના વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે.
યમુનાની સફાઈ માટે ચાર મુદ્દાની રણનીતિ
1) સૌ પ્રથમ, યમુના નદીના પ્રવાહમાં રહેલો કચરો, કાટમાળ અને કાંપ દૂર કરવામાં આવશે.
2) ઉપરાંત, નજફગઢ ડ્રેઇન, સપ્લીમેન્ટરી ડ્રેઇન અને અન્ય તમામ મુખ્ય ડ્રેઇનોમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
3) તે જ સમયે, હાલના STP ની ક્ષમતા અને ઉત્પાદનનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવામાં આવશે.
4) લગભગ 400 MGD ગટર શુદ્ધિકરણની વાસ્તવિક અછતને પહોંચી વળવા માટે નવા STP/DSTP વગેરેના બાંધકામ માટે સમયબદ્ધ યોજના તૈયાર કરવામાં આવશે અને તેને કાર્યરત કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી યોજનાનો ઉદ્દેશ્ય લગભગ 3 વર્ષમાં નદીને સાફ કરવાનો છે.