કાંદાના વધતાં દર તમારી લોનનો રેટ ઓફ ઈન્ટરેસ્ટ વધારી શકે છે… આવો જોઈએ કઈ રીતે?

નવી દિલ્હીઃ દિવાળી પહેલાં જ કાંદાના ભાવમાં જોવા મળેલા વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, પરંતુ વાત આટલેથી અટકવાની નથી. કાંદાના વધતા ભાવે દેશમાં સરકારના પાયા હચમચાવી નાખનાવી ક્ષમતા ધરાવે છે. કાંદાના વધતા ભાવ હાલમાં આ દેશમાં મોંઘવારી દરને 6 ટકાના સ્તરે લઈ જઈ શકે છે. જેને કારણે આગામી મહિનાઓમાં દેશની અર્થવ્યવસ્થા પર અસર જોવા મળશે અને લોનનો રેટ ઓફ ઈન્ટરેસ્ટ પણ વધી શકે છે.
ચાલુ મહિનાના આઠ દિવસની જ વાત કરીએ તો ઓક્ટોબરથી લઈને નવેમ્બર સુધી કાંદાના ભાવમાં 75 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેને કારણે આગામી કેટલાક મહિનામાં મોંઘવારી દર 6%ના જેટલો થઈ જશે. આ મોંઘવારી દરની અસરને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેના રેપો રેટમાં પણ ફેરફાર કરી શકે છે.
આ બાબતે માહિતી આપતા નિષ્ણાતોએ એવું જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં છૂટક ફુગાવાનો દર 5.3 ટકા જેટલો રહી શકે છે, જે સપ્ટેમ્બરમાં માત્ર 5% જેટલો હતો. આ કારણે જ નવેમ્બર અને ડિસેમ્બરમાં દેશનો મુખ્ય મોંઘવારી દર 6%ના સુધી પહોંચી શકે છે. ઓક્ટોબરમાં ટામેટાના ભાવમાં ઘટાડો થવાને કારણે ફુગાવામાં ઘટાડો જોવા મળે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી પરંતુ ઓક્ટોબરના અંત સુધીમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને હજી પણ કાંદાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
જ્યારે દેશમાં છૂટક ફુગાવાનો દર માપવામાં આવે છે, ત્યારે તેના માટે ગ્રાહક ભાવ સૂચકાંક બનાવવામાં આવે છે. આ ઇન્ડેક્સનો એક ભાગ ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ પણ છે, જેમાં ટામેટાં, કાંદા અને બટેટાની કિંમતોનું વેટેજ હોય છે. છૂટક ફુગાવાનો દર નક્કી કરનારી બાસ્કેટમાં કાંદાનું વેટેજ વજન 0.64 ટકા છે. જ્યારે ટામેટાંનું વેટેજ 0.57 ટકા જેટલું છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે કાંદાના ભાવ ફુગાવાના દરને અસર કરે છે.
સરકાર પાસે 5 લાખ ટન કાંદાનો બફર સ્ટોક છે અને એમાંથી ઓક્ટોબરના અંત સુધીમાં સરકારે 1.70 લાખ ટન કાંદા બજારમાં ઉતાર્યા છે. આગામી દિવસોમાં મોંઘવારી ઘટાડવા માટે સરકાર વધુ કાંદા બજારમાં ઉતારી શકે છે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.