સર્પદંશ બાદ જીવતા કોબરા સાથે હોસ્પિટલ પહોંચ્યો રિક્ષા ચાલક, જુઓ Viral Video

મથુરાઃ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો, જેને લઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. એક રિક્ષા ચાલકને સાપ હાથ પર દંશ માર્યો હતો. ઘટના બાદ તે ગભરાયો નહોતો પરંતુ સાપને જેકેટના ખિસ્સામાં લઈ સીધો હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો.
તેણે સીધો જ ઈમરજન્સી વોર્ડમાં ગયો હતો અને જેકેટમાંથી સાપ કાઢીને ડોક્ટરને બતાવ્યો હતો. જોકે આ સાપ કોઈ સામાન્ય નહોતો પરંતુ ઝેરી કોબરા હતો. કોબરા સાપને જોઈ હાથમાં પકડેલો જોઈને ડોક્ટરો પણ ફફડી ઉઠ્યા હતા અને ઈમરજન્સી વોર્ડમાંથી બહાર કાઢી મુક્યો હતો. જોકે પોલીસના હસ્તક્ષેપ બાદ ડોક્ટરોએ તેની સારવાર કરી હતી.
શું છે સમગ્ર મામલો
મથુરાના લક્ષ્મી નગરના રહેવાસી દીપક રાજપૂત ઈ-રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજે તેઓ ઈ-રિક્ષા લઈને વૃંદાવન જઈ રહ્યા હતા. રસ્તામાં ઈ-રિક્ષામાં છુપાઈને બેઠેલો એક સાપ બહાર નીકળ્યો અને તેના હાથ પર દંશ માર્યો હતો. તેણે તરત જ સાપને પકડી લીધો અને તેને પોતાની જેકેટના ગજવામાં મૂકીને જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયો હતો. જોકે તેને ખબર નહોતી કે આ કોબરા સાપ છે.
હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચીને તેણે ડોક્ટરના ટેબલ પર સાપ મૂકી દીધો. સાપને જોતા જ ડોક્ટરો અને સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. ઉતાવળમાં ઈ-રિક્ષા ચાલકને ઈમરજન્સી વોર્ડની બહાર કાઢવામાં આવ્યો, જેના કારણે તેણે સારવાર માટે હોસ્પિટલમાં હંગામો શરૂ કર્યો. હંગામો વધતા જિલ્લા હોસ્પિટલ ચોકીના ઈન્ચાર્જ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે પહેલા તેની પાસેથી સાપ છોડાવ્યો અને ત્યારબાદ જ ડોક્ટરોએ ઈ-રિક્ષા ચાલકની સારવાર કરી હતી.
CMS ડૉ. નીરજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ચાલક જીવતો સાપ લઈને ઈમરજન્સીમાં આવી પહોંચ્યો હતો, જેના કારણે અન્ય દર્દીઓને મુશ્કેલી પડી હતી. જ્યારે તેને સાપ છોડવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેણે હંગામો મચાવ્યો હતો. જોકે, પોલીસની મધ્યસ્થી બાદ તેને ઈન્જેક્શન આપવાની સાથે સારવાર પણ કરવામાં આવી હતી.
રીક્ષા ચાલક દીપકે રહ્યું કે, કયા સાપે તેને દંશ માર્યો છે તે ડોક્ટરોને બતાવી શકાય તે માટે તેણે સાપને સાથે રાખ્યો હતો. જોકે કોબરા સાપ હોવાની તેને પણ ખબર નહોતી. આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.



