તેલંગણાના મુખ્ય પ્રધાનપદે રેવંતી રેડ્ડી સત્તારૂઢ
હૈદરાબાદ: કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા એ. રેવંત રેડ્ડીએ ગુરુવારે તેલંગણાના મુખ્ય પ્રધાનપદે શપથ ગ્રહણ કર્યા હતા. અહીંના એલબી સ્ટેડિયમમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત કૉંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. ગવર્નર ટી. સૌંદર્યરાજને પદ અને ગુપ્તતાના શપથ રેવંત રેડ્ડી અને પ્રધાનોને લેવડાવ્યા હતા. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનપદે એમ. બી. વિક્રમારકા, જ્યારે એન. ઉત્તમકુમાર રેડ્ડી, કે. વેંકટા રેડ્ડી, સી. દામોદર રાજનર સિંહ, ડી. શ્રીધરબાબુ, પી. એસ. રેડ્ડી, પૂનમ પ્રભાકર, કોન્ડા સુરેખા, ડી. અનસૂયા, ટી. નાગેશ્ર્વર રાવ અને જે. ક્રિશ્ર્નારાવે સહિત ૧૧ વિધાનસભ્યે પ્રધાન તરીકે શપથ લીધા હતા. કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા વાડરા, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા, કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર, હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુ સહિત સંખ્યાબંધ નેતાઓ હાજર રહ્યા હતા.
તેલંગણાની તાજેતરની ચૂંટણીમાં ૧૧૯ બેઠકમાંથી ૬૪ બેઠક જીતી કૉંગ્રેસે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) પાસેથી સત્તા છીનવી હતી. સોનિયા ગાંધી અને રેવંત રેડ્ડી ફૂલોથી સજ્જ ઉપરથી ખુલ્લા વાહનમાં એલ. બી. સ્ટેડિયમ પહોંચ્યા હતા.
મુખ્ય પ્રધાન બન્યા પછી રેડ્ડીએ બે ફાઈલ પર સહી કરી હતી. કૉંગ્રેસ દ્વારા ચૂંટણીની છ ગેરંટી આપવામાં આવી હતી તેના અમલ અંગેની ફાઈલ પર રેડ્ડીએ સહી કરી હતી. એક દિવ્યાંગ મહિલાને નોકરીનું રેડ્ડીએ વચન આપ્યું હતું. તેમના નિમણૂક પત્ર પર રેડ્ડીએ સહી કરી હતી.
મુખ્ય પ્રધાનની ઓફિસ અને નિવાસસ્થાન પ્રગતિ ભવન બહારના બેરિકેડ્સ અને લોખંડની ફેન્સ હટાવી દેવામાં આવી હતી. તેવું રેડ્ડીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું. તમામ માટે તેમની ઓફિસ ખુલ્લી છે, તેવું રેડ્ડીએ કહ્યું હતું. પ્રગતિ ભવનનું નામ બદલીને જ્યોતિરાવ ફૂલે પ્રજાભવન કરવામાં આવ્યું છે. ‘૮મી ડિસેમ્બર શુક્રવારે આ ભવનમાં ‘પ્રજા દરબાર’નું દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે, તેવું રેડ્ડીએ કહ્યું હતું.