અમિત શાહના ફેક વીડિયો અંગે તેલંગણાના સીએમે કરી સ્પષ્ટતા
નવી દિલ્હી : દેશમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તેવા સમયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ફેક વિડીયોને શેર કરવાના કેસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. જો કે આ મુદ્દે દિલ્હી પોલીસની નોટિસનો જવાબ આપતાં સીએમ રેવંત રેડ્ડીના વકીલે કહ્યું છે કે તેઓ INC તેલંગાણાનું ટ્વિટર એકાઉન્ટ ઓપરેટ કરતા નથી. રેવંત રેડ્ડીના વકીલે પોતાનો જવાબમાં કહ્યું છે કે તે માત્ર બે ટ્વિટર એકાઉન્ટ્સ (સીએમઓ તેલંગાણા અને તેમનું અંગત એકાઉન્ટ) વાપરે છે. આ કારણે દિલ્હી પોલીસ દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રશ્ન અપ્રસ્તુત છે. તે વીડિયો અપલોડ કરવા કે શેર કરવા માટે તેમના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
તમને જણાવી દઈએ કે આ કેસમાં રેવંત રેડ્ડી સિવાય દિલ્હી પોલીસે અન્ય 16 લોકોને પણ નોટિસ મોકલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિને ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 160/91 હેઠળ નોટિસ આપવામાં આવે છે, તો તે વ્યક્તિ અથવા તપાસ અધિકારી સમક્ષ હાજર થઈ શકે છે અથવા કાનૂની પ્રતિનિધિ મોકલી શકે છે.
ઉલ્લેખનીય છે કે અમિત શાહના ભાષણનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જેમાં તેઓ કથિત રીતે કહેતા સંભળાય છે કે, જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો તે ગેરબંધારણીય એસ.સી., એસ.ટી અને ઓબીસી અનામતને રદ કરી દેશે. આ નકલી વીડિયો અંગે દિલ્હી પોલીસે ભારતીય ફોજદારી ધારાની કલમ 153/153A/465/469/171G અને IT એક્ટની કલમ 66C હેઠળ કેસ નોંધ્યો છે.