ન્યાયતંત્રને નબળું પાડવાનો પ્રયાસ, 21 નિવૃત જજોએ CJIને ચિઠ્ઠી લખી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂ્ંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. દરમિયાનમાં એક મોટા સમાચાર આવ્યા છે. લગભગ 21 જેટલા નિવૃત જજોએ સર્વોચ્ચ અદાલતના મુખ્ય જજ ડી. વાય.ચંદ્રચૂડને પત્ર લખ્યો છે, જેમાં દેશની ન્યાય પ્રણાલી પર દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ન્યાય તંત્ર માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ પત્ર પર 21 ન્યાયાધીશે હસ્તાક્ષર કર્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટના ચાર પૂર્વ જજ અને હાઇ કોર્ટના 17 જજ સામેલ છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો રાજકીય હિતો અને વ્યક્તિગત લાભ માટે ન્યાયતંત્રને નબળું પાડવા અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, નિવૃત્ત ન્યાયાધીશોએ તે ઘટનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી જેના કારણે તેઓએ CJIને પત્ર લખ્યો હતો. જો કે, આ પત્ર એવા સમયે લખવામાં આવ્યો છે જ્યારે ભ્રષ્ટાચારના કેસમાં વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહીને લઈને સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે શબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.
પત્રમાં જજોએ ગંભીર આરોપ મૂકતાં કહ્યું કે રાજકીય હિતો અને ખાનગી લાભથી પ્રેરિત અમુક તત્વો આપણી ન્યાયિક પ્રણાલીમાં પ્રજાના વિશ્વાસને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો આ પ્રકારનું વર્તન ખાસ કરીને એવા મામલે કરે છે જે સામાજિક, આર્થિક અને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ હોય. લોકતંત્રના મૂળભૂત સિદ્ધાંતો માટે પણ ઘાતક અને ન્યાયપાલિકા વિરુદ્ધ લોકભાવના ભડકાવવાના આવા પ્રયાસો અંગે અમે ચિંતિત છીએ. પત્રમાં તેમણે એ પણ લખ્યું છે કે તેઓ ન્યાય તંત્રની ગરિમા બચાવવા માટે તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છે.