રિટેલ ફુગાવો ચાર મહિનાની નીચી સપાટીએ
નવી દિલ્હી: ખાદ્યપદાર્થોની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે રિટેલ ફુગાવો ૪.૮૭ ટકાની ચાર મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયો છે. સરકારે રિઝર્વ બેન્કને એવી તકેદારી રાખવા નિર્દેશ આપ્યો છે કે, ગ્રાહક ભાવાંક પર આધારિત સીપીઆઇ ફુગાવો બંને બાજુની વધઘટ માટે બે ટકાના માર્જિન સાથે ચાર ટકા પર જળવાઈ રહેે.
સોમવારે જાહેર થયેલા સરકારી ડેટા દર્શાવે છે કે, મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે, રિટેલ ફુગાવો ઓક્ટોબરમાં ૪.૮૭ ટકાના ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ઇન્ફ્લેશને સપ્ટેમ્બરમાં ઘટીને ૫.૦૨ ટકાના ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
આ અગાઉનો નીચો ફુગાવો જૂનમાં ૪.૮૭ ટકા નોંધાયો હતો. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)એ તેની ઓક્ટોબરની મીટિંગમાં, ૨૦૨૩-૨૪ માટે સીપીઆઇ ફુગાવો ૫.૪ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો, જે ૨૦૨૨-૨૩માં ૬.૭ ટકાના સ્તરે હતો.
સીપીઆઇ ફુગાવો બંને બાજુ ૨ ટકાના માર્જિન સાથે ચાર ટકા પર જળવાઇ રહે તેની ખાતરી કરવા માટે સરકારે રિઝર્વ બેન્કને કામ સોંપ્યું છે. મધ્યસ્થ બેંક તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સંદર્ભના નિર્ણય લેતી વખતે મુખ્યત્વે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે.