કર્ણાટકમાં અનામતમાં થશે ફેરફારઃ OBC અનામત વધારીને 51 ટકા કરવાની ભલામણ

બેંગલુરુ: કર્ણાટકમાં જાતિગત વસ્તી ગણતરી પંચે રાજ્યમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત વર્તમાન 32 ટકાથી વધારીને 51 ટકા કરવાની ભલામણ કરી છે. જો આ ભલામણ લાગુ કરવામાં આવે તો રાજ્યમાં કુલ અનામતનો આંકડો 85 ટકા સુધી પહોંચી જશે. જેમાંથી 10 ટકા પહેલાથી જ આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અને 24 ટકા અનુસૂચિત જાતિ/જનજાતિ (SC/ST) માટે અનામત છે.
કર્ણાટકની વસ્તી 70 ટકા ભાગ OBC
જાતિગત વસ્તી ગણતરી પંચે કહ્યું છે કે તાજેતરમાં હાથ ધરાયેલા સામાજિક-આર્થિક અને શૈક્ષણિક સર્વેક્ષણ અનુસાર, કર્ણાટકની વસ્તીના લગભગ 70 ટકા ભાગ OBC વર્ગનો છે. આ આધારે કમિશને કહ્યું છે કે વસ્તીના પ્રમાણમાં અનામત લાગુ કરવી જોઈએ, જેથી સરકારી સુવિધાઓ અને તકોનું સમાન વિતરણ સુનિશ્ચિત થઈ શકે.
પછાત વર્ગની વસ્તી 69.6 ટકા
કમિશને સોંપેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સર્વેક્ષણમાં પછાત વર્ગની વસ્તી 69.6 ટકા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ રાજ્યની અડધાથી પણ ઓછી વસ્તીને અનામતનો લાભ મળી રહ્યો છે. જો વસ્તીના આધારે અનામત આપવામાં નહીં આવે તો સરકારી સુવિધાઓ સમાન રીતે વહેંચણી થઈ શકશે નહીં.
આપણ વાંચો: ‘વિપક્ષ નથી ઈચ્છતું કે દલિતો અને વંચિતોને જમીન મળે…’ મુર્શિદાબાદ હિંસા અંગે સીએમ યોગીના પ્રહાર
સર્વે મુજબ કોની કેટલી વસ્તી?
સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વે રિપોર્ટ મુજબ, શ્રેણી 1A માં પછાત સમુદાયોની વસ્તી 34,96,638, 1B – 73,92,313, 2A-77,78,209, 2B-75,25,880, 3A-72,99,577 અને શ્રેણી 3Bમાં પછાત સમુદાયોની વસ્તી 1,54,37,113 છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આમ અન્ય પછાત જાતિઓની કુલ વસ્તી 4,16,30,153 છે. અહેવાલને ટાંકીને સૂત્રોએ દાવો કર્યો હતો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી અનુક્રમે 1,09,29347 અને 42,81,289 છે.