ખાનગી નોકરીઓમાં અનામત, એકતાની વાતો કાગળ પર જ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
આપણા રાજકારણીઓ દેશની એકતા અને અખંડિતતાની મોટી મોટી વાતો કરે છે, બધાં ભારતીયો એક હોવાની રેકર્ડ છે પણ મૂળભૂત રીતે એ લોકો કૂવામાંના દેડકા જેવા છે અને તેમની માનસિકતા એકદમ સંકુચિત છે. તેના કારણે મતબેંક માટે આ બધી વાતોને માળિયા પર ચડાવી દેવામાં તેમને જરાય શરમ નથી નડતી. કર્ણાટક સરકારે ખાનગી કંપનીઓમાં ૧૦૦ ટકા નોકરીઓ સ્થાનિક લોકો માટે અનામત રાખવાનું ઊભું કરેલું તૂત તેનો તાજો પુરાવો છે.
કર્ણાટકની સિદ્ધરામૈયા સરકારે હમણાં નિર્ણય લીધો હતો કે કર્ણાટકમાં ખાનગી કંપનીઓમાં ગ્રુપ સી અને ગ્રુપ ડી કેટેગરીની તમામ માત્ર ને માત્ર કન્નડિગાને જ આપી શકાશે. મતલબ કે ત્રીજા અને ચોથા વર્ગની તમામ નોકરીઓ સ્થાનિક લોકો માટે અનામત રહેશે અને માત્ર ને માત્ર કન્નડ લોકોને નોકરીએ રાખી શકાશે, બીજા રાજ્યના કોઈ માણસને નોકરીએ નહીં રાખી શકાય.
સિદ્ધરામૈયા સરકારે નિર્ણય લીધો કે, પ્રાઇવેટ કંપનીના મેનેજમેન્ટ લેવલમાં પણ ૫૦ ટકા નોકરીઓ માત્ર કન્નડ લોકો માટે અનામત રહેશે. નોન-મેનેજમેન્ટ ૭૫ ટકા હોદ્દા પણ કન્નડિગા માટે અનામત રહેશે. આ મુદ્દે ભારે વિરોધ થતાં કર્ણાટક સરકારે નાકલીટી તાણીને આ નિર્ણય પાછો ખેંચી લેવો પડ્યો છે પણ આ નિર્ણયે નેતાઓની હલકી માનસિકતાને છતી કરી દીધી છે.
કૉંગ્રેસ સરકારે આ નિર્ણય લીધો પણ આ હલકી માનસિકતામાં ભાજપ પણ પૂરો ભાગીદાર છે. સિદ્ધરામૈયા સરકારે આ અંગેનું બિલ લાવવાનું એલાન કર્યું ત્યારે ભાજપે તેને ટેકો આપવાની જાહેરાત કરેલી. આ નિર્ણયનો ભારે વિરોધ થયો એટલે સરકારે નિર્ણય પરત ખેંચવો પડ્યો તો ભાજપે ચીમકી આપી છે કે, આ બિલ પસાર નહીં કરાય તો આખા રાજ્યમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળશે ને કર્ણાટક સરકારે તેનાં માઠાં પરિણામ ભોગવવાં પડશે.
ભાજપ અને કૉંગ્રેસ બંને પોતાને રાષ્ટ્રીય પક્ષ ગણાવે છે પણ બંનેની માનસિકતા પ્રાદેશિક પક્ષો કરતાં પણ ખરાબ છે તેનો આ પુરાવો છે. એ લોકોને દેશના બંધારણની કે દેશના બીજા લોકોના અધિકારોની કોઈ પરવા નથી પણ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થની જ િંચતા છે તેનો આ નાદાર નમૂનો છે. એ લોકો એકતા ને અખંડિતતાની વાતો કરે છે પણ વાસ્તવમાં આ બધી વાતોને અનુસરવામાં માનતા નથી. પોતાના સ્વાર્થ માટે આ બધી વાતોનું પડીકું કરી નાખતાં તેમને જરાય શરમ નથી આવતી. આ હલકી ને વાસ્તવમાં તો દેશવિરોધી માનસિકતાનું પ્રદર્શન કરવામાં તેમને જરાય છોછ નડતો નથી. પોતાના સ્વાર્થ ખાતર લોકોમાં ભેદભાવ કરવામાં તેમને કશું આડે આવતું નથી.
ખાનગી કંપનીઓનાં અનામતના નિર્ણયની જાહેરાત કરતાં મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ કહ્યું હતું, કે, સરકારની ઈચ્છા છે કે કન્નડ લોકોને પોતાના વતનમાં જ આરામદાયક જીવન જીવવાનો અવસર મળે. અમારી સરકાર કન્નડ લોકોની સમર્થક સરકાર છે અને અમારી પ્રાથમિકતા કન્નડ લોકોનું કલ્યાણ કરવાની છે. ભલા માણસ, કન્નડ લોકોનું ભલું કરો તેમાં અમને કોઈ વાંધો નથી પણ તેના માટે દેશના બંધારણને મજાકરૂપ બનાવી દેવાનું ?
આપણી કમનસીબી એ છે કે, આ દેશમાં આવા જ નમૂના ભર્યા પડ્યા છે કે જેમની બુદ્ધિ અનામતથી આગળ જતી નથી અને પોતાના સ્વાર્થ માટે કશું પણ કરતાં તેમને ખચકાટ થતો નથી. ખાનગી કંપનીઓમાં સ્થાનિક લોકોને અનામત આપવાનો નિર્ણય અગાઉ પણ ઘણો રાજ્ય સરકારોએ લીધો છે. કર્ણાટકમાં આવો ચોથી વખત પ્રયાસ થયો છે. પહેલાં ૨૦૧૪ અને ૨૦૧૭માં પણ સરકારે આવી જાહેરાત કરી હતી. છેલ્લે ઓક્ટોબર ૨૦૨૦માં યેદિયુરપ્પાની આગેવાની હેઠળની ભાજપ સરકારે ખાનગી નોકરીઓમાં ગ્રુપ સી અને ડીમાં સ્થાનિકોને ૭૫ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી પણ તેનો અમલ થઈ શક્યો નથી.
ચંદ્રાબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૧૯માં આંધ્ર પ્રદેશમાં ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને ૭૫ ટકા અનામત આપવા માટે કાયદો બનાવાયો હતો. આંધ્ર પહેલું રાજ્ય હતું જ્યાં આવો કાયદો લવાયો હોય પણ હાઈકોર્ટે તેને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દેતાં આંધ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં પણ દેવેન્દ્ર ફડણવીસ સરકારે પણ આવી જાહેરાત કરી હતી અને વિધાનસભામાં બિલ લાવવાની પણ તૈયારી કરી હતી પણ પછી વિચાર માંડી વળાયો હતો. તેલંગાણામાં ઓગસ્ટ-૨૦૨૦માં, મધ્ય પ્રદેશમાં ૨૦૧૯માં, હરિયાણામાં ૨૦૨૦માં, ઝારખંડમાં ડિસેમ્બર-૨૦૨૩માં આવો કાયદો બનાવવાનો પ્રયાસ કરાયો હતો પણ કોઈ રાજ્ય સફળ થયું નથી ને તેનું કારણ એ છે કે આ દેશમાં હજુ ન્યાયતંત્ર સાબૂત છે.
ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે અનામત રાખવાનો નિર્ણય બંધારણની તમામ લોકોને સમાન ગણવાની જોગવાઈઓનો જ ભંગ નથી કરતો પણ મેરિટોક્રસીના મૂળભૂત સિદ્ધાંતનો પણ છેદ ઉડાવી દે છે. મેરિટોક્રસી એટલે લાયકાતના ધોરણે જ નોકરીની તક આપવાની વ્યવસ્થા. આપણી કમનીસીબી એ છે કે, નેતાઓ મેરિટોક્રસીમાં માનતા નથી અને રાજકીય સ્વાર્થના કારણે બંધારણની પણ ઐસીતૈસી કરી નાખવામાં તેમને કોઈની શરમ નથી નડતી.
આ દેશના રાજકારણીઓને મતબેંક સિવાય કશું દેખાતું જ નથી. તેના માટે લોકોમાં ભાગલા પાડવા પડે તો ભાગલા પાડવામાં ને લોકોને લડાવવા પડે તો લડાવવામાં પણ તેમને વાંધો નથી. આવી હલતી માનસિકતા ધરાવતા હોય તેમને લાયકાત કે ગુણવત્તાની ચિંતા હોય એવી અપેક્ષા તો રાખી જ ના શકાય. ચંદ્રાબાબુથી માંડીને સિધ્ધરામૈયા સુધીના મુખ્યમંત્રી આ હલકી માનસિકતાનું પ્રદર્શન કરી ચૂક્યા છે.
આ દેશનું બંધારણ બધાંને સમાન ગણે છે ને દેશનું બંધારણ દેશના દરેક નાગરિકને દેશના ગમે તે ખૂણામાં નોકરી કરવાનો અધિકાર આપે છે. દેશનાં બધાં રાજ્યોમાં તમામ નાગરિકોને નોકરી કરવાનો અધિકાર છે જ. આ રાજકારણીઓ આ અધિકાર છીનવી લેવા નિકળ્યા હતા. પોતાનું રાજ્ય પોતાના બાપની મિલકત હોય એ રીતે તેમણે પોતાનાં માટે અલગ કાયદો બનાવી નાંખેલો.
આપણું ન્યાયતંત્ર સાબૂત છે તેથી બેશરમ રાજકારણીઓએ મન મારીને કાબૂમાં રહેવું પડે છે પણ આ પ્રકારના નિર્ણયોની અસરો વિશે લોકોએ વિચારવાની જરૂર છે. આ પ્રકારની હરકતો દેશની એકતાને તોડી નાખશે. આજે સિદ્ધરામૈયાએ આ ફતવો બહાર પાડ્યો, કાલે બીજું કોઈ રાજ્ય આવો ફતવો બહાર પાડે ને પછી ધીરે ધીરે બધાં રાજ્યો એ તરફ વળે તો શું થાય ? એક રાજ્યનાં લોકોને બીજા રાજ્યમાં કશું કરવાની છૂટ જ ન હોય. દરેક રાજ્ય પ્રદેશવાદના વાડામાં વહેંચાઈ જાય ને એકતાની વાતો ને બંધારણ કાગળ પર જ રહી જાય.
આપણે આવું ભારત જોઈએ છે?