Republic Day Tableau: પ્રજાસત્તાક દિવસે ગુજરાત રાજ્યનો ટેબ્લોની થીમ કંઇક આવી હશે
ગાંધીનગર: 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ યોજાનારી પરેડમાં ગુજરાત રાજ્ય ધોરડો ગામ પર આધારિત ટેબ્લો રજુ કરશે. ગુજરાતના ટેબ્લોની થીમ ‘ધોરડોઃ ગ્લોબલ આઇડેન્ટિટી ઓફ ગુજરાતસ બોર્ડર ટુરિઝમ’ પર આધારિત હશે. સોમવારે રાજ્ય સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી.
એક અખબારી અહેવાલ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી જેઓ ગુજરાત માહિતી વિભાગના નિવૃત્ત વરિષ્ઠ અધિકારી છે તેઓ આ ઝાંખી તૈયાર કરનાર ટીમનો એક ભાગ છે. માહિતી અને પ્રસારણ સચિવની આગેવાની હેઠળ ગુજરાત સરકારના માહિતી વિભાગની ટીમે ટેબ્લોના આયોજનમાં સહયોગ આપ્યો હતો. આ ટીમમાં સલાહકાર તરીકે પંકજ મોદીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કચ્છના રણમાં આવેલા ધોરડો ગામને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામો પૈકીના એક તરીકે ઓળખવામાં આવ્યું હતું. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ધોરડો: ગુજરાતના બોર્ડર ટુરિઝમની વૈશ્વિક ઓળખ થીમ સાથે આ ટેબ્લો રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવશે. ધોરડો, પરંપરા, પર્યટન અને ટેકનોલોજીના અનોખા સંયોગને દર્શાવે છે,જે ‘વિકસિત ભારત’ના સારને વ્યાખ્યાયિત કરે છે.
નિવેદન મુજબ આ ટેબ્લોમાં ધોરડોના વિશિષ્ટ ‘ભૂંગા’, સ્થાનિક હસ્તકલા, રોગન કલા, રણ ઉત્સવ, ટેન્ટ સિટી અને ગરબાની સાંસ્કૃતિક પરંપરા દર્શાવવામાં આવશે.
પ્રતિકૂળતાઓ છતાં ધોરડો પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતની ટેબ્લોના મોખરે ફરતા ગ્લોબ પર ગુજરાતની ભૌગોલિક સ્થિતિને દર્શાવવામાં આવશે.
આ વર્ષે પરેડમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 16 અને કેન્દ્ર સરકારના વિભાગોના નવ સહિત કુલ 25 ટેબ્લો પ્રદર્શિત થશે.