પ્રજાસત્તાક દિવસ પરેડઃ યુપીની ઝાંખીને પ્રથમ પુરસ્કાર, જમ્મુ-કાશ્મીર રાઇફલ્સને શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીનો ખિતાબ…

નવી દિલ્હીઃ ૭૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ચાલી રહેલા મહાકુંભને દર્શાવતી ઉત્તર પ્રદેશની ઝાંખીએ પ્રથમ પુરસ્કાર મેળવ્યો હતો.
Also read : મહાકુંભમાં પ્રવાસીઓની લૂંટ: ત્રણથી દસ ગણા વિમાનભાડાંમાં વધારો થયાની ફરિયાદ

જ્યારે જમ્મુ-કાશ્મીર રાઇફલ્સની માર્ચિંગ ટુકડીને ત્રણેય સેનાઓમાં શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લોમાં ત્રિપુરાની ઝાંખીએ બીજું ઇનામ મેળવ્યું હતું. જેની થીમ ‘શાશ્વત શ્રદ્ધા’ હતી. આંધ્રપ્રદેશની ઝાંખીને ત્રીજું ઇનામ મળ્યું હતું, જેમાં પર્યાવરણને અનુકૂળ લાકડાના રમકડાં દર્શાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં આદિજાતિ બાબતોના મંત્રાલયના ટેબ્લોને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો(સીએપીએફ) અને અન્ય સહાયક દળોમાં દિલ્હી પોલીસની ટીમ શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી રહી હતી.
મંત્રાલયે જણાવ્યું કે વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગો અને સુરક્ષા દળોની માર્ચિંગ ટુકડીઓના ટેબ્લોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે જજોની ત્રણ પેનલની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત ૨૬ થી ૨૮ જાન્યુઆરી સુધી MyGov પોર્ટલ પર નાગરિકો માટે ‘લોકપ્રિય પસંદગી’ શ્રેણીમાં તેમના મનપસંદ ટેબ્લો અને માર્ચિંગ ટુકડીઓ માટે મતદાન કરવા માટે એક ઓનલાઇન પોલનું આયોજન કરવામાં આવ્યું હતું.
Also read : ઝેર ભેળવવાના નિવેદન મુદ્દે PM Modiના કેજરીવાલ પર આકરા પ્રહાર, કોઈ કઈ રીતે કહી શકે નદીમાં ઝેર ભેળવ્યું છે…
પોલમાં ગુજરાતની ઝાંખીને પ્રથમ પુરસ્કાર, ઉત્તર પ્રદેશને દ્વિતીય અને ઉત્તરાખંડની ઝાંખીને તૃતીય પુરસ્કાર મળ્યો હતો. શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી માટે ‘લોકપ્રિય પસંદગી’ પુરસ્કાર સિગ્નલ ટુકડીને મળ્યો હતો. જ્યારે કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં શ્રેષ્ઠ ઝાંખી માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને એવોર્ડ મળ્યો હતો.