નવી દિલ્હી: 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘દેશના મારા પરિવારના તમામ સભ્યોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિંદ.’ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમને દેશવાસીઓને નામ એક સંદેશમાં કહ્યું કે, પ્રજાસત્તાક દિવસ એ આપણા મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતોને યાદ કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે. સંસ્કૃતિ, માન્યતાઓ અને પરંપરાઓની વિવિધતા એ આપણી લોકશાહીનું સહજ પરિમાણ છે.
આપણી વિવિધતાની આ ઉજવણી ન્યાય દ્વારા સુરક્ષિત સમાનતા પર આધારિત છે. આ બધું સ્વતંત્રતાના વાતાવરણમાં જ શક્ય છે. આ મૂલ્યો અને સિદ્ધાંતોની સંપૂર્ણતા એ આપણી ભારતીયતાનો આધાર છે. ડોક્ટર બી. આર. આંબેડકરના પ્રબુદ્ધ માર્ગદર્શન હેઠળ વહેતી આ મૂળભૂત જીવનમૂલ્યો અને સિદ્ધાંતોમાં સમાવિષ્ટ બંધારણની ભાવનાએ આપણને તમામ પ્રકારના ભેદભાવને દૂર કરવા માટે સામાજિક ન્યાયના માર્ગ પર અડગ રાખ્યા છે.
75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે સમગ્ર દિલ્હીમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે અને સમગ્ર શહેરમાં 70,000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા અંગે એડવાઈઝરી જાહેર કરી છે. ખાસ કરીને મધ્ય દિલ્હીમાં વાહનોની સરળ અવરજવર માટે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. કર્તવ્ય પથમાં અને તેની આસપાસ 14,000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે 75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર નાગપુરમાં RSS મુખ્યાલયમાં ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. 75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર, પાર્ટીના વડા જેપી નડ્ડાએ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો. તેમણે દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.