‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલના લેખકનું નિધન થયું, પૈતૃક ગામમાં અંતિમસંસ્કાર થશે…

હૈદરાબાદ: જાણીતા પટકથા લેખક મનોજ સંતોષીનું લિવર કેન્સર સામેની લાંબી લડાઈ બાદ 23 માર્ચે હૈદરાબાદમાં અવસાન થયું હતું. તેમણે શિલ્પા શિંદેના હિટ શો ‘ભાભીજી ઘર પર હૈ’ની પટકથા અને દમદાર સંવાદો લખ્યા હતા.
આ સિવાય ‘જીજાજી છત પર હૈ’, ‘હપ્પુ કી ઉલટન પલટન’ જેવી કોમેડી સિરિયલોની પટકથા લખી છે. તેમણે ઘણા લોકપ્રિય ટેલિવિઝન શો માટે પણ કામ કર્યું હતું. તેમના નિધનના સમાચારથી ટીવી જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના અચાનક નિધનથી લોકો ચોંકી ગયા છે અને સોશિયલ મીડિયા પર તેમના ચાહકો તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ગયા મહિને મનોજ સંતોષી વિશે સમાચાર આવ્યા હતા કે તેઓ લિવર કેન્સરથી પીડિત છે. ટીવીના સૌથી લોકપ્રિય શો ‘એફઆઈઆર’ની અભિનેત્રી કવિતા કૌશિકે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ મૂકીને તેમના હેલ્થ અપડેટ આપ્યા હતા સાથે તેમની બીમારી વિશે પણ જણાવ્યું હતું. લાંબી સારવાર દરમિયાન તેઓ જીવનની લડાઈ હારી ગયા અને દુનિયાને અલવિદા કહી દીધું.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સરને મારી નાખવાની ધમકી, હવે અભિનેત્રીએ આ પગલું ભર્યું
મનોજના પાર્થિવ શરીરને અંતિમસંસ્કાર માટે ઉત્તર પ્રદેશના બુલંદશહેર લઈ જવામાં આવ્યો છે. મનોજ સંતોષી ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના રામઘાટના રહેવાસી હતા. તેમણે ઝરગ્વા શહેરમાં આવેલી ઇન્ટર કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
મનોજ સંતોષી બીજાની મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેતા. તેમણે અલીગઢના સુમિત સરાફ અને સંજય મહેશ્વરીને તેની સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈં’માં કામ કરવાની તક આપી હતી. આ શો તેમના માટે લકી સાબિત થયો હતો અને બંને ટીવી સ્ટાર બની ગયા.