જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન
મુંબઈ: જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું મંગળવાર, 26મી ફેબ્રુઆરીના 72 વર્ષની વયે નિધન થયું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે લાંબી માંદગી બાદ પંકજ ઉધાસે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવાર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે, તેમના અંતિમ સંસ્કાર ક્યાં અને ક્યારે કરવામાં આવશે
એ બાબતે હજી સુધી કોઈ માહિતી નથી મળી રહી.
પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26મી ફેબ્રુઆરીના લાંબી માંદગી બાદ નિધન થયું છે. પંકજ ઉધાસના નિધનના સમાચારથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના એક યુગનો અંત થયો છે. પંકજ ઉધાસના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પંકજ ઉધાસના પીઆરે જણાવ્યું હતું કે તેમનું નિધન આજે સવારે અગિયાર વાગ્યે મુંબઈની જાણીતી ખાનગી હૉસ્પિટલમાં થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમાંય છેલ્લા કેટલાય દિવસથી તબિયત વધુ બગડી હતી.
પંકજ ઉધાસની જાણીતી ગઝલમાં `નામ’ ફિલ્મની ચિઠ્ઠી આયી હૈ, ચિઠ્ઠી આયી હૈ, ઔર આહિસ્તા કિજે બાતૈં, જીયેં તો જીયેં કૈસે અને ના કઝરે કે ધાર વગેરે બહુ લોકપ્રિય બની હતી. ગુજરાતી, હિન્દી સહિત અનેક આલ્બમ પણ બહાર પાડ્યા હતા. 2006માં મ્યુઝિક ક્ષેત્રના તેમના મહત્ત્વના યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
પંકજ ઉદાસની ગઝલ આત્માનો અવાજ હતો: મોદી
નવી દિલ્હી: વિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસને શ્રદ્ધાંજલિ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે તેની ગઝલ તેના આત્માનો અવાજ હતો.
અનેક પેઢી પંકજ ઉદાસના સંગીત અને ગઝલની ચાહક અને પ્રશંસક હતી, એમ તેમણે કહ્યું હતું.
કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે તેમની ગઝલ અને ગીતો મારફતે પંકજ ઉદાસ સદા આપણી વચ્ચે રહેશે. સંગીતક્ષેત્રે તેમનું સ્થાન પૂરવું મુશ્કેલ હશે, એમ તેમણે કહ્યું હતું. પંકજ ઉદાસે અનેક પેઢીઓ પર તેમના ગીત, ગઝલ અને સંગીતનો જાદુ પાથર્યો હતો, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)