
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દરોમાં સુધારાની અસર જોવા મળી રહી છે. જેમાં મધર ડેરીએ દૂધના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. જેમાં કંપનીએ તેના પેકેજ્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. મધર ડેરીએ તેના 1 લિટર ટોન્ડ ટેટ્રા પેક દૂધના ભાવ 77 રૂપિયાથી ઘટાડીને 75 રૂપિયા કર્યા છે. આ ઉપરાંત ઘી અને ચીઝ સહિત અન્ય વસ્તુઓના ભાવ પણ ઘટાડવામાં આવ્યા છે. જેનો અમલ 22 સપ્ટેમ્બરના રોજથી કરવામાં આવશે.
મધર ડેરીએ નવા ધોરણો સાથે તમામ ઉત્પાદનો પર ગ્રાહકોને 100 ટકા કર લાભ આપવા માટે આ મોટું પગલું ભર્યું છે. નોંધનીય છે કે કંપનીનો આખો પ્રોડક્ટ પોર્ટફોલિયો સૌથી ઓછા સ્લેબ હેઠળ આવે છે.
મિલ્કશેકના પેકની કિંમત 30 રૂપિયાથી ઘટીને 28 રૂપિયા
જેના લીધે હવે મધર ડેરીના 1 લિટર UHT દૂધ (ટોન-ટેટ્રા પેક) ની કિંમત 77 રૂપિયાથી ઘટાડીને 75 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે 450 મિલી પેક હવે 33 રૂપિયાને બદલે 32 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કંપનીના તમામ ફ્લેવરના 180 મિલી મિલ્કશેકના પેકની કિંમત 30 રૂપિયાથી ઘટીને 28 રૂપિયા થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી સુધારાની જાહેરાત કરી હતી અને તમામ આવશ્યક ચીજવસ્તુઓ પર લાગુ થતા કરમાં ઘટાડા અંગે માહિતી શેર કરી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે નવા જીએસટી દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે અને દૂધ, ચીઝથી લઈને એસી- ટીવી સુધીની દરેક વસ્તુ સસ્તી થશે. તેમના અમલ પહેલા જ મધર ડેરીએ તેના દૂધના ઉત્પાદનોના ભાવ ઘટાડીને ગ્રાહકોને મોટી રાહત આપી છે.
ઘીની કિંમતમાં પણ ઘટાડો થયો
જયારે પનીરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 200 ગ્રામના પેકની કિંમત હવે રૂપિયા 95 ના બદલે 92 રૂપિયા અને અને 400 ગ્રામના પેકની કિંમત હવે 180 ના બદલે 174 રૂપિયા થશે.જયારે માખણના 500 ગ્રામનું પેક હવે રૂપિયા 305 ને બદલે રૂપિયા 285 માં ઉપલબ્ધ થશે. 100 ગ્રામનું પેક રૂપિયા 62 થી ઘટીને રૂપિયા 58 માં ઉપલબ્ધ થશે.જયારે ઘીની કિંમતમાં પણ ઘટાડો થયો છે. જેમાં ઘીનું 1 લિટરનું પેક રૂપિયા 675 ના બદલે 645 રૂપિયામાં મળશે.
પાઉચમાં વેચાતા દૂધના ભાવમાં કોઈ ઘટાડો નહી
આ ઉપરાંત કંપનીએ સ્પષ્ટતા કરી છે કે પાઉચમાં વેચાતા દૂધ, જેમ કે ફુલ ક્રીમ, ટોન્ડ દૂધ અને ગાયના દૂધના ભાવમાં કોઈ ઘટાડો થશે નહીં. આ ઉત્પાદનો પર અગાઉ કોઈ જીએસટી લાગુ પડતો ન હતો અને ભવિષ્યમાં પણ તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં. તેથી આ તમામ ઉત્પાદનોના ભાવ સ્થિર રહેશે.
આપણ વાંચો: પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી શકાય તો યાત્રા કેમ નહીં? કેન્દ્રના નિર્ણયથી શીખ શ્રદ્ધાળુઓમાં નારાજગી