ડાયાબિટીસ, બીપી સહિતની અનેક બીમારીના દરદીઓને રાહત ૧૦૦ દવા સસ્તી થઇ
નવી દિલ્હી: ડાયાબિટીસ, હાયપરટેન્શન, તાવ, કોલેસ્ટ્રોલ સહિતની બીમારીઓ માટેની અનેક જીવનોપયોગી દવાઓ સસ્તી કરાઇ હોવાનાં સમાચાર જાણવા મળ્યાં હતાં. આ ઉપરાંત વિટામિન ડી-૩, કેલ્શિયમની ગોળીઓ પણ સસ્તી થશે. ટાઇપ ટુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, એન્ટિબાયોટિક્સ, કફ સિરપ અને ડિપ્રેશનની વિવિધ દવાઓ કિંમત નિયંત્રણ હેઠળ રહેશે. થેલેસેમિયામાં વપરાતી ડેસ્ફેરિઓક્સામાઇન અને અસ્થમામાં વપરાતા બ્યુડેસોનાઇડ-ફોર્મોટેરોલ સંયોજનની કિંમતો પણ ભાવ નિયંત્રણ હેઠળ લાવવામાં આવી છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) એ ૬૯ ફોર્મ્યુલેશનની છૂટક કિંમત અને ૩૧ ફોર્મ્યુલેશનની ટોચમર્યાદા કિંમત નક્કી કરી હોવાથી ડાયાબિટીસ અને હાયપરટેન્શન માટેની દવાઓ સસ્તી થશે. ભાવ મર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા ઉત્પાદકોએ ઓવરચાર્જ કરેલી રકમ સરકારને પરત કરવી પડશે. ટાઇપ ટુ ડાયાબિટીસ માટે ડાપાગ્લિફ્લોઝિન, મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ અને ગ્લિમેપીરાઇડ ગોળીઓના સંયોજનની કિંમત લગભગ ૧૪ રૂપિયા હશે, જ્યારે સીતાગ્લિપ્ટિન ફોસ્ફેટ, મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ અને ગ્લિમેપીરાઇડ સંયોજન દવાની કિંમત ૧૩ રૂપિયા પ્રતિ ગોળી હશે.
વધુમાં, એનપીપીએ યાદીમાં ૩૯ ફોર્મ્યુલેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આનાથી સાપના ઝેરના એન્ટિસેરમની ટોચમર્યાદા કિંમત ₹ ૪૨૮ નક્કી કરવામાં આવી છે. એચઆઇવીની દવા ઝિડોવુડિન, થેલેસેમિયામાં વપરાતી ડેસ્ફેરિઓક્સામાઇન અને અસ્થમામાં વપરાતા બ્યુડેસોનાઇડ-ફોર્મોટેરોલ સંયોજનની કિંમતો પણ ભાવ નિયંત્રણ હેઠળ લાવવામાં આવી છે.
૧૯૯૭માં સ્થપાયેલ, દવાના ભાવ નિયમનકારને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની કિંમતો નક્કી કરવા અને સુધારવાની, ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરની જોગવાઈઓ લાગુ કરવાની અને નિયંત્રિત અને અનિયંત્રિત દવાઓની કિંમતો પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.
એનપીપીએનો પ્રાથમિક ઉદ્દેશ્ય વાજબી અને નિયમિત ભાવે આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરવાનો છે. ઓથોરિટીએ ગ્રાહકો માટે સરળ સુલભતા સુનિશ્ર્ચિત કરીને દરેક રિટેલર અને ડીલરને તેમના વ્યવસાયના સ્થળ પર ભાવો પ્રદર્શિત કરવા ફરજિયાત કર્યા છે.