ક્રિકેટર ધનુષ્કા ગુણાથિલાકાને મળી રાહત: શ્રીલંકન બોર્ડે પ્રતિબંધ હટાવ્યો
કોલંબો: ક્રિકેટ શ્રીલંકાએ મંગળવારે ધનુષ્કા ગુણાથિલાકાનો આજીવન પ્રતિબંધ હટાવી લીધો છે. નોંધનીય છે કે ધનુષ્કા ગુણાથિલાકા પર ઓસ્ટ્રેલિયામાં એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જોકે આ મામલે કોર્ટે નિર્દોષ જાહેર કરતા ધનુષ્કા ગુણાથિલાકા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. હવે ધનુષ્કા ગુણાથિલાકાની રાષ્ટ્રીય ટીમમાં વાપસી થશે.
એક પ્રેસ રિલિઝમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે શ્રીલંકા ક્રિકેટની સ્વતંત્ર તપાસ સમિતિએ નવેમ્બર ૨૦૨૨ માં તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધને સંપૂર્ણ રીતે હટાવવાની ભલામણ કરી છે. ન્યૂ સાઉથ વેલ્સની ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેને તમામ આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો છે અને તે ૩ ઓક્ટોબરે શ્રીલંકા પરત ફર્યો છે. તે હવે રાષ્ટ્રીય ટીમ માટે રમી શકે છે.
ઉલ્લેેખનીય છે કે નવેમ્બર ૨૦૨૨ માં ગુણાથિલાકા પર ઓસ્ટ્રેલિયામાં એક મહિલાએ કથિત જાતીય સતામણીનો આરોપ મુકવામાં આવ્યો હતો. તે સમયે તે ટી-૨૦ વર્લ્ડકપ ટીમના સભ્ય તરીકે ઓસ્ટ્રેલિયામાં હતો. ચાર દિવસના ટ્રાયલ પછી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો અને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં
આવ્યો હતો.