રિલાયન્સ-ડિઝની મર્જર પર મોટું અપડેટ!, નીતા અંબાણીને મોટી જવાબદારી સોંપવાની તૈયારી…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝની મર્જર ડીલ અંગે સતત નવા અપડેટ્સ આવી રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે કે રિલાયન્સના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને આ મર્જરથી બનેલા નવા એકમના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. હાલમાં નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનની જવાબદારી સંભાળી રહ્યા છે.
સૂત્રો દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રિલાયન્સ અને વોલ્ટ ડિઝની ટૂંક સમયમાં તેમના મર્જરની ડીલની જાહેરાત કરી શકે છે. રિપોર્ટમાં એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે 28 ફેબ્રુઆરી બુધવારે એટલે કે આજે આ અંગે મોટી જાહેરાત કરવામાં આવશે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે મર્જર બાદ નીતા અંબાણીને નવા બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક છે અને હાલમાં તેમનું સમગ્ર ધ્યાન આ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ પર છે. આના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે, તેમણે ગયા વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત મુકેશ અંબાણીના પત્ની નીતા મુંબઈ સ્થિત મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMAC)ના સંસ્થાપક છે. જે કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે કાર્યરત છે.
આ ડીલ અંગેના અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે મર્જર પછી રચાયેલી નવી એન્ટિટીમાં મુકેશ અંબાણીની રિલાયન્સ પાસે 51-54 ટકા હિસ્સો હશે, જ્યારે બોધિ ટ્રી, જેમ્સ મર્ડોક અને ઉદય શંકરના જોઇન્ટ વેન્ચરવાળી કંપની 9 ટકા હિસ્સો ધરાવી શકે છે. આ સોદો સફળ થયા પછી વોલ્ટ ડિઝની પાસે 40 ટકા હિસ્સો રહેશે. અગાઉ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે નવી કંપનીમાં રિલાયન્સનો 61 ટકા હિસ્સો હોઈ શકે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ ઓઈલ સેક્ટરથી લઈને રિટેલ સુધી વિસ્તર્યો છે અને હવે અબજોપતિ મુકેશ અંબાણીની કંપની મીડિયા એન્ટરટેઈનમેન્ટ સેક્ટરમાં કિંગ બનવાની તૈયારી કરી રહી છે. વોલ્ટ ડિઝની સાથેની ડીલ પણ આ દિશામાં એક મોટું પગલું છે. જો કે, નવી સંસ્થાના અધ્યક્ષ તરીકે નીતા અંબાણીની નિમણૂક અંગે રિલાયન્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. આ પહેલા મંગળવારે રિલાયન્સે આ સમાચાર પર સ્પષ્ટતા જારી કરી હતી જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ કથિત મર્જર ડીલ બાદ રિલાયન્સ પાસે નવી એન્ટિટીમાં 61 ટકા હિસ્સો હશે.
સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં સ્પષ્ટતા જારી કરીને, રિલાયન્સે કહ્યું હતું કે હાલમાં કંપની આ ડીલ અંગે ચાલી રહેલી અટકળો પર ટિપ્પણી કરી શકશે નહીં. કંપનીએ જણાવ્યું હતું કે અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે અમે મીડિયાની અટકળો પર ટિપ્પણી કરવામાં અસમર્થ છીએ. કંપની વિવિધ તકોનું મૂલ્યાંકન કરશે અને સ્ટોક એક્સચેન્જને કોઈપણ વિકાસ વિશે જાણ કરવામાં આવશે. એવું પણ અનુમાન છે કે રિલાયન્સ આ ડીલમાં $1.5 બિલિયનનું રોકાણ કરશે.